
અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં (Mahakumbh 2025) આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી રહ્યા છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. પ્રયાગરાજની આસપાસના 100 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. જેને લઈ ઘણા શ્રદ્ધાળુઓ શોર્ટ કટ લઈને પરત ફરી રહ્યા છે. અમદાવાદના બોપલ-ઘુમાના 38 સિનિયર સિટીઝન મહાકુંભમાં ડૂબકી લગાવવા નીકળ્યા હતા. જેમાં 17 મહિલાઓ પણ સામેલ હતી. પરંતુ તેમને હિંમતનગરથી જ પરત ફરવાની ફરજ પડી હતી.
વાહન વ્યવહાર રાબેતા મુજબ થવામાં લાગશે 2 દિવસ
ગુજરાતથી મહાકુંભમાં જઈ રહેલા લોકોને વાયા ઝાંસી અને બુંદેલખડ હાઇવે પર 120 કિમીનું અંતર કાપતા 15 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. મહાકુંભમાં જનારા તીર્થયાત્રીઓના વાહનોથી મધ્યપ્રદેશમાં 20 થી 30 કિમી સુધીનો ટ્રાફિક જામ જોવા મળે છે. વધતી જતી વાહનોની ભીડને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં ટ્રાફિક થંભાવી દેવાની ફરજ પડી હતી. મહેર જિલ્લાની પોલીસે પણ વાહનોને કટની ને જબલપુર પાછા ફરવાની અથવા તો જ્યાં છો ત્યાં જ રોકાઇ જવાની ફરજ પાડવામાં આવી હતી. પોલીસના કહેવા મુજબ, વાહન વ્યહવાર સામાન્ય થવામાં કમસેકમ એકથી માંડીને બે દિવસ જેટલો સમય લાગી શકે છે.
Also read: મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ
પ્રયાગરાજમાં વધતી જતી શ્રદ્ધાળુઓની ભીડના લીધે સ્થાનિક લોકો પણ પોતાના રોંજિદાકામ સરળતાથી પુરા કરી શકતા નથી. પ્રયાગરાજને જોડનારા તમામ દિશાના રાજમાર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. જેથી ઘણા શ્રદ્ધાળુઓ અધવચ્ચેથી જ પરત ફરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 50 કિમી જેટલું અંતર કાપવામાં 10 કલાક જેટલો સમય લાગી રહ્યો છે.
યોગી આદિત્યનાથે કરી બેઠક
મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં, પ્રયાગરાજ, કૌશાંબી, કાનપુર, સુલતાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ જેવા જિલ્લાઓ/ઝોન/રેન્જમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિભાગીય કમિશનરો અને જિલ્લા વહીવટી અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.
મહાકુંભમાં કેમ ફરી થઈ શ્રદ્ધાળુઓની ભીડ
મહાકુંભમાં 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાનું પાંચમુ શાહી સ્નાન થશે. જેને લઈ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પૂર્ણિમાના દિવસે ત્રિવણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતા હોવાથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેથી પ્રયાગરાજને જોડતાં તમામ રસ્તાઓ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.