ટોપ ન્યૂઝનેશનલ

મહાકુંભમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુના મૃત્યુની આશંકા; શાહી સ્નાન રદ્દ

ઘટના અંગે પીએમ મોદીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરી

પ્રયાગરાજઃ મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. જેના કારણે ભાગદોડ મચી (Mahakumbh Stampede)હતી. આ દરમિયાન 10 શ્રદ્ધાળુઓના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુના આંકડા પર હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. સ્વજનોને શોધવા માટે પરિવારજનો હૉસ્પિટલ પહોંચી રહ્યા છે.

અખાડા પરિષદે લીધો અમૃત સ્નાન રદ્દ કરવાનો ફેંસલો

મૌની અમાસ પર ભારે ભીડ અને ભાગદોડની ઘટનાના પગલે તમામ અખાડાએ અમૃત સ્નાન ન કરવાનો ફેંસલો કર્યો હતો. આ જાહેરાત અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર ગિરી નિરંજન છાવણીથી કરવામાં આવી હતી. અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું, જે રીતે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે અને ભાગદોડની ઘટના સામે આવી છે તેનાથી અખાડાએ સ્નાન ન કરવાનો ફેંસલો કર્યો હતો.અખાડા પરિષદની જાહેરાત બાદ વિવિધ અખાડા અધવચ્ચેથી જ તેમની છાવણીમાં પરત ફર્યા હતા.

પીએમ મોદીએ યોગી સાથે વાત કરી

સંગમ તટ નજીક મચેલી ભાગદોડ અને ઘટના સાથે જોડાયેલી જાણકારી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. તેમણે ઘટનાની સમીક્ષા કરી હતી તથા તાત્કાલિક બચાવ કામગીરી કરવા આહ્વાન કર્યું હતું.

શ્રદ્ધાળુઓને જ્યાં હોય ત્યાં જ સ્નાન કરવાની અપીલ

જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ લોકોને ત્રિવેણી સ્નાન કરવાનો મોહ ન રાખવા અને જ્યાં હોય ત્યાં જ સ્નાન કરવા અપીલ કરી હતી. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું કે, જે દુર્ઘટના થઈ છે તેનાથી અમે દુઃખી છીએ. અમારી સાથે હજારો શ્રદ્ધાળુ હતા. જનહિતમાં અમે આજના સ્નાનમાં સામેલ નહીં થવાનો ફેંસલો લીધો હતો. હું લોકોને આજના બદલે વસંત પંચમીના દિવસે આવવાની અપીલ કરું છું. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સંગમ ઘાટ પહોંચી રહ્યા હોવાથી આ સ્થિતિ ઉભી થઈ હતી. લોકોને જ્યાં પણ ગંગા મળે ત્યાં ડૂબકી લગાવવી જોઈએ. આ પ્રશાસનની ભૂલ નથી, કરોડો લોકોને સંભાળવા આસાન નથી. આપણે અધિકારીઓને સાથ સહયોગ આપવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button