મહાદેવ ઍપ મની લૉન્ડરિંગ કેસ ઈડીએ નવેસરથી તપાસ શરૂ કરી
મુંબઈ: મહાદેવ ઑનલાઈન ગૅમિંગ ઍન્ડ બૅટિંગ ઍપ સંબંધિત મની લૉન્ડરિંગ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ બુધવારે મુંબઈ, પ. બંગાળ અને દિલ્હી એનસીઆર સહિતના ૧૫ સ્થળે નવેસરથી તપાસ આરંભી હતી. છત્તીસગઢના ટોચના અનેક રાજકારણીઓની આમાં સંડોવણી હોવાનું માનવામાં આવે છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઑફ મનીલૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ અંતર્ગત ઈડીએ મુંબઈ, પ. બંગાળ અને દિલ્હી એનસીઆરના વિવિધ ૧૫ સ્થળે દરોડા પાડી નવેસરથી કર્યવાહી આરંભી હતી.
કેસને મામલે ઈડી દ્વારા અત્યાર સુધીમાં નવ જણની ધરપકડ કરવામાં આવી છે. ઈડીના જણાવ્યા અનુસાર આ ઍપ દ્વારા મેળવવામાં આવેલા ગેરકાયદે ભંડોળનો ઉપયોગ છત્તીસગઢના રાજકારણીઓ અને વહીવટી અમલદારોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો. ઍપના મુખ્ય પ્રમોટરો અને ઑપરેટરો છત્તીસગઢના જ છે. આ ઑનલાઈન બૅટિંગ પ્લેટફોર્મ અને પેમેન્ટ સાથે એ લોકો કોઈને કોઈ રીતે સંકળાયેલા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને ઈડીએ પૂછપરછ માટે અનેક સેલિબ્રિટીઓ અને બોલિવૂડના અભિનેતાઓને સમન્સ પાઠવ્યા હતા.
કેસને મામલે ઈડીએ અત્યાર સુધીમાં કથિત ગેરકાયદે સટ્ટા અને ગૅમિંગ ઍપ માટે બે મુખ્ય પ્રમોટર તેમ જ સૌરભ ચંદ્રશેખર અને રવી ઉપલ વિરુદ્ધ એમ બે ચાર્જશીટ દાખલ કરી છે. (એજન્સી)