Maha Kumbh 2025: ગંગાના પાણીમાં પ્રદુષણ અંગે NGTએ યોગી સરકારને આદેશ આપ્યો
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં મેળાને આડે હવે ગણતરીના દિવસે બચ્યા (Maha Kumbh mela 2025) છે, 13 જાન્યુઆરીથી મેળો શ્રદ્ધાળુઓ માટે ખુલો મુકવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે તડામાર તૈયારી કરી રહી છે. દરમિયાન ગંગા અને યમુના નદીના પાણીમાં પ્રદુષણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT)એ યુપી સરકારને બંને નદીઓના પાણીને સ્નાન અને પીવા માટે યોગ્ય રાખવાનો આદેશ આપ્યો છે.
તીર્થયાત્રીને તકલીફ ના પડે:
એક અંદાજ મુજબ દોઢ મહિનો ચાલનારા મહા કુંભ મેળાની 40 કોરોડથી વધુ લોકો મુલાકાત લઇ શકે છે. મહા કુંભ મેળા દરમિયાન ગટરના પાણીમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને, NGT એ ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે ગંગા અને યમુના નદીમાં કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગંદુ પાણી છોડવામાં ન આવે અને ઇવેન્ટ કોઈપણ તીર્થયાત્રીને તકલીફ ના પડે.
NGTએ એ પણ નિર્દેશ આપ્યો છે કે કુંભ મેળો ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે, તેથી પ્રસાશને ખાતરી કરવી પડશે કે નદીનું પાણી પીવાના પાણી/નહાવાના પાણીની ગુણવત્તાની બરાબર હોય. એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને નિષ્ણાત સભ્ય એ સેંથિલ વેલની મુખ્ય બેન્ચે આ સપ્તાહની શરૂઆતમાં એક અરજીનો નિકાલ કર્યો હતો, આ દરમિયાન NGT અધ્યક્ષે ગંગા યમુનાના પાણીની ગુણવત્તા અંગે આદેશ આપ્યા હતા.
મોનિટરિંગ વ્યવસ્થા વધારવામાં આવે:
આદેશ મુજબ પ્રયાગરાજમાં ગંગા નદીમાં નાળાઓમાંથી ટ્રીટમેન્ટ વિનાના ગંદા પાણીના નિકાલની ફરિયાદો ઉઠી હતી. આદેશમાં કહેવામાં આવ્યું કે મહાકુંભ દરમિયાન વધુ સારી મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવા આવે. ગંગા અને યમુના નદીમાં ટ્રીટમેન્ટ ન કરાયેલા ગટરના પાણીના પ્રવાહને કારણે સ્નાન માટે આવતા યાત્રિકોને તકલીફ ન પહોંચે તેની ખાતરી કરવામાં આવે. જેના માટે, CPCB અને UPPCB (ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ગંગા અને યમુના નદી પર અમારા મોનિટરિંગ પોઈન્ટ સંખ્યા અને મોનિટરિંગની ફ્રિકવન્સી વધારે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે સીપીસીબી અને યુપીપીસીબીએ મોનિટરિંગ પોઈન્ટ્સથી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત ગંગા અને યમુના નદીઓમાંથી પાણીના નમૂના લેવા પડશે અને તેઓએ તેમની વેબસાઈટ પર રીપોર્ટ જાહેર કરવો પડશે. અધિકારીઓને મહાકુંભ દરમિયાન અને તેના પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) માં પેદા થતા કાદવના અસરકારક નિકાલ માટે પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.