કચ્છની મેઇનલેન્ડ ફોલ્ટલાઇન નજીક ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છને તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી રહેલા આફ્ટરશોકટ્સની વણથંભી વણઝાર વચ્ચે ગત રવિવારની રાત્રે ૮ અને ૫૪ મિનિટે કચ્છની અશાંત ધરા ગગનભેદી ધડાકા સાથે ફરી ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રવિવારની રાત્રે ૮:૫૪ કલાકે ૩.૪ની તીવ્રતાના આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૫ કિલોમીટર દૂર જ્યાં ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ભયાનક ધરતીકંપ આવ્યો હતો એ મેઇનલેન્ડ ફોલ્ટ પાસેના ચોબારી ગામ પાસે નોંધાયું હતું.
આફ્ટરશોકની અનુભૂતિ કેંદ્રબિન્દુની આસપાસના વિસ્તારોમાં વિશેષ અનુભવાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. દરમ્યાન, અચાનક વધી ગયેલી ભૂગર્ભીય હિલચાલ વચ્ચે રવિવારે રાત્રે આવેલા આંચકાની તીવ્રતા ભલે ઓછી હતી પરંતુ આ કંપન સાથે ઘરના બારી-બારણાં, અભેરાઈ પર મૂકેલાં વાસણો ખખડી ઊઠે એવો જોરદાર ધડાકો થયો હતો અને ત્રણ-ચાર સેકંડના બદલે આઠથી દસ સેક્ધડ સુધી કંપનની અનુભૂતિ થઇ હતી જે એક ચિંતાનો વિષય હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે, જાણીતા ભૂ-વૈજ્ઞાનિકોએ રાજધાની દિલ્હી, શ્રીનગર અને કચ્છમાં ગમે ત્યારે ફરી વિનાશકારી ભૂકંપ આવવાની પ્રબળ શક્યતા દર્શાવી છે ત્યારે મેઇનલેન્ડ ફોલ્ટ પાસે સંભળાયેલા ભેદી ભૂગર્ભીય ધડાકાના પગલે કચ્છ સહીત બૃહદ કચ્છના લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે.