નેશનલ

યુપીના ગેંગસ્ટરને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે, જાણો તેના કારનામાં…

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશ(યુપી)ના કુખ્યાત ગેંગસ્ટર બબલુ શ્રીવાસ્તવ 16 ઓક્ટોબરે પ્રયાગરાજની કોર્ટમાં હાજર કરવાનો છે. તેના પર બુલિયન બિઝનેસમેનનું અપહરણ કરવાનો અને તેની પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે.

માફિયા ડોન બબલુ શ્રીવાસ્તવનું સાચું નામ ઓમ પ્રકાશ શ્રીવાસ્તવ છે. બબલુ શ્રીવાસ્તવના પિતા વિશ્વનાથ પ્રતાપ શ્રીવાસ્તવ, મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના, જીટીઆઈમાં પ્રિન્સિપાલ હતા. મોટા ભાઈ વિકાસ શ્રીવાસ્તવ સેનામાં કર્નલ છે. 1982ની વાત છે. ઓમપ્રકાશ એટલે કે બબલુ લખનઉ યુનિવર્સિટીમાંથી લો કરી રહ્યો હતો. તે દરમિયાન કોલેજની ચૂંટણીમાં મારામારી અને છરાબાજી જેવી ઘટનાઓ સામાન્ય હતી.

બબલુના મિત્ર નીરજ જૈન પણ વિદ્યાર્થીની ચૂંટણીમાં જનરલ સેક્રેટરીના પદ માટે ઉભો હતો અને બબલુ તેના માટે પ્રચાર કરી રહ્યો હતો. આ દરમિયાન નીરજ જૈનને કોઈ બીજા જૂથના વિદ્યાર્થીને ચાકુ માર્યું અને બબલુ શ્રીવાસ્તવ પર આનો આરોપ લાગ્યો, તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. બસ આ ઘટનાએ તેનું આખું જીવન બદલી નાખ્યું. સેનામાં જોડાવાનું સપનું જોનાર બબલુ જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તે સાવ બદલાઈ ગયો હતો. અને તેની ગણના ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગારોમાં થવા લાગી અને બબલુના નામે ઘણા કેસ નોંધાયા.

ધીમે ધીમે તેના ગુનાઓનો ગ્રાફ વધવા લાગ્યો. માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ બબલુ અપહરણ, ખંડણી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપવા લાગ્યો અને અનેક રાજ્યોની પોલીસ તેની પાછળ લાગી ગઈ. તે પોલીસને હાથતાળી આપતો રહેતો હતો.

પોલીસથી બચીને તે કોઇપણ રીતે નેપાળ પહોંચ્યો અને થોડા સમય માટે નેપાળથી પોતાનું નેટવર્ક ચલાવવાનું શરૂ કર્યું, પરંતુ થોડા દિવસો પછી તે નેપાળ પણ છોડી ગયો. નેપાળથી તે સીધો દુબઈ પહોંચ્યો જ્યાં બબલુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને મળ્યો. બબલુના આતંક વિશે દાઉદને પહેલેથી જ ખબર પડી ગઈ હતી એટલે તે ખૂબજ સહજતાથી બબલુ સાથે જોડાઇ ગયો.

બબલુએ દાઉદની સૂચના પર ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેની ગેંગ પણ ઘણી શક્તિશાળી બની ગઈ. તેણે દેશમાં ઘણું મોટું નેટવર્ક બનાવ્યું. બબલુનું મુખ્ય કામ અપહરણ અને ખંડણી માંગવાનું હતું. ઘણા નાના-નાના ગુંડાઓ તેની સાથે હતા. જો ખંડણી ન મળે તો તે વ્યક્તિને મારી નાખતો હતો. તેણે લાંબા સમય સુધી દાઉદની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ 1993ના મુંબઈ બ્લાસ્ટ પછી તેણે દાઉદનો સાથ છોડી દીધો હતો. મુંબઈ હુમલા પછી તે દાઉદનો દુશ્મન બની ગયો અને દાઉદ પણ તેને મારવા માટે શોધતો ફરતો હતો.


પોલીસ ઘણા વર્ષો સુધી તેની શોધ કરતી રહી અને અંતે તેની મોરેશિયસથી ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો. તેની સામે 60થી વધુ કેસ નોંધાયા છે. પોલીસ અધિકારીની હત્યાના આરોપમાં તેને આજીવન કેદની સજા થઈ ચૂકી છે.
બબલુ શ્રીવાસ્તવ 1999થી બરેલી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમને અહીં હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યા છે.


વાસ્તવમાં ડી કંપનીએ બબલુ શ્રીવાસ્તવના નામે ઘણી વખત કોન્ટ્રાક્ટ આપ્યો છે અને તે પોતે જ માને છે કે જ્યાં સુધી તે જેલમાં છે ત્યાં સુધી તે સુરક્ષિત છે. બબલુએ જેલમાં જ એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે ‘અધુરે ખ્વાબ’. આ પુસ્તકમાં તેણે તેની ગુનાખોરીની દુનિયાના તમામ રહસ્યો જાહેર કર્યા છે. પુસ્તકમાં દાઉદ ઈબ્રાહિમનો પણ ઉલ્લેખ છે. કદાચ આ પુસ્તક બબલુના સ્વપ્ન વિશે જણાવશે જેમાં તે આર્મી ઓફિસર બનવા માંગતો હતો, પરંતુ કેવી રીતે તે ગુનાની દુનિયામાં પહોંચી ગયો અને તેને ક્રાઈમ કિંગ બનાવી દીધો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button