નેશનલ

પોલીસકર્મીઓ ફરજ પર દાઢી રાખી શકે? જાણો મદ્રાસ હાઈકોર્ટનો ચૂકાદો અને અવલોકન

ચેન્નઈઃ ભારત દેશ સહિષ્ણુતા માટે જાણીતો છે અને દરેક ધર્મ જાતિના લોકો અહીં સ્વતંત્રતાથી શ્વાસ લઈ શકે તેવું આપણું બંધારણ છે, પરંતુ ક્યારેક અમુક બનાવો એવા બને છે કે જે વિચારતા કરી મૂકે.
મદ્રાસ હાઈકોર્ટમાં પણ આવા જ એક કેસની સુનાવણી થઈ હતી, જેમાં એક મુસ્લિમ પોલીસકર્મીને તેના ઉપરીએ દાઢી રાખી ફરજ પર આવવા બદલ સજા ફરમાવી હતી. કોર્ટે આ મામલે જે અવલોકન નોંધ્યા તે સમજવા જેવા છે.

જી. અબ્દુલ ખાદર ઈબ્રાહિમ વિરુદ્ધ પોલીસ કમિશનર અને અન્યના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે મુસ્લિમ પોલીસકર્મીઓ ફરજ પર હોય ત્યારે સુઘડ દાઢી રાખી શકે છે. આ માટે હાઈકોર્ટે 1957ના મદ્રાસ પોલીસ ગેઝેટને ટાંક્યો. કોર્ટે કહ્યું કે 1957ના મદ્રાસ પોલીસ ગેઝેટ મુજબ, તમિલનાડુમાં મુસ્લિમ પોલીસકર્મીઓને ફરજ પર હોય ત્યારે પણ દાઢી રાખવાની છૂટ છે.

જસ્ટિસ એલ વિક્ટોરિયા ગૌરીએ કહ્યું કે ભારત વિવિધ ધર્મો અને રીતરિવાજોનો દેશ છે. પોલીસ વિભાગ તેના મુસ્લિમ કર્મચારીઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર દાઢી રાખવા બદલ દંડ કરી શકે નહીં.
કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત ધોરણો (મદ્રાસ પોલીસ ગેઝેટના) જણાવે છે કે મુસ્લિમોને ફરજ પર હોવા છતાં પણ સુઘડ અને સ્વચ્છ દાઢી રાખવાની છૂટ છે. ભારત વિવિધ ધર્મો અને રીતરિવાજોનો દેશ છે, આ ભૂમિની સુંદરતા અને વિશિષ્ટતા નાગરિકોની માન્યતાઓ અને સંસ્કૃતિની વિવિધતામાં રહેલી છે. તમિલનાડુ સરકારના પોલીસ વિભાગ માટે કડક શિસ્તની આવશ્યકતા છે, પરંતુ વિભાગમાં શિસ્ત જાળવવાની ફરજ ઉપરીઓને લઘુમતી સમુદાયોના કર્મચારીઓને, ખાસ કરીને મુસ્લિમોને દાઢી રાખવા બદલ સજા કરવાની મંજૂરી આપતી નથી.

આ આદેશ એક પોલીસ કોન્સ્ટેબલની અરજી પર આપવામાં આવ્યો છે. જેમને મક્કાથી પરત ફર્યા બાદ દાઢી સાથે વરિષ્ઠ અધિકારી સમક્ષ હાજર થવા બદલ સજા કરવામાં આવી હતી.
2018 માં, કોન્સ્ટેબલને મક્કાની ધાર્મિક યાત્રા માટે 31 દિવસની રજા આપવામાં આવી હતી. પરત ફર્યા બાદ તેણે પગના ઈન્ફેક્શનને કારણે રજા લંબાવવાની માંગણી કરી હતી. મદદનીશ કમિશનરે તેને વધારાની રજા આપવાનો ઇનકાર કર્યો અને તેના બદલે કોન્સ્ટેબલને તેની દાઢી વિશે પૂછપરછ કરી.

2019 માં, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) એ દાઢીવાળા કોન્સ્ટેબલ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. જે મદ્રાસ પોલીસ ગેઝેટના આદેશની વિરુદ્ધ હોવાનું કહેવાયું હતું. જેના પગલે, કોન્સ્ટેબલ સામે બે આરોપો ઘડવામાં આવ્યા હતા – એક દાઢી રાખવા માટે અને બીજો 31 દિવસની રજા પછી ફરજ પર પાછા ન આવવા બદલ અને લગભગ 20 દિવસની તબીબી રજા માંગવા બદલ.

2021માં ડીસીપીએ આદેશ આપ્યો કે કોન્સ્ટેબલનો પગાર વધારો ત્રણ વર્ષ માટે અટકાવી દેવામાં આવે. ત્યારબાદ કોન્સ્ટેબલે પોલીસ કમિશનર સામે અપીલ દાખલ કરી, જેમણે સજામાં ફેરફાર કર્યો અને વિના બે વર્ષ માટે વધારો અટકાવ્યો. કોન્સ્ટેબલે તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ કોર્ટે તેમને આપવામાં આવેલી સજાને યોગ્ય ન ગણાવતા તેમને આપવામાં આવેલી સજા રદ કરી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button