ખંડવાઃ યુપીના બહરાઈચ જિલ્લામાં વરુનો આતંક યથાવત છે. જેમાં પોલીસ અને વન વિભાગની અનેક ટીમો બે વરુને પકડવા સતત પ્રયાસ કરી રહી છે.ત્યારે હવે મધ્યપ્રદેશમાં પણ વરુના આતંકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખંડવા જિલ્લામાં શુક્રવારે એક જંગલી પ્રાણીએ(Wild Animal Attack) પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચેય લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અવાજ આવતા વન્ય જીવ ભાગ્યો
હરસુદ પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર સંદીપ વાસ્કલેએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 20 કિમી દૂર આદિવાસી વિસ્તાર ખાલવા તાલુકાના માલગાંવ ગામમાં રાત્રે 2:30 વાગ્યે બની હતી. SDOPએ કહ્યું, પરિવારે ચીસો પાડયા બાદ પડોશીઓ અને અન્ય લોકો આવી પહોંચ્યા અને જંગલી પ્રાણીનો પીછો કર્યો. આ હુમલામાં એક મહિલા અને ચાર પુરૂષ ઘાયલ થયા છે. તેમની સારવાર ખંડવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલી રહી છે.
પકડવાના પ્રયાસો ચાલુ છે
વિભાગીય વન અધિકારી રાકેશ ડામોરે જણાવ્યું હતું કે ઘાયલોને હડકવાની રસી અને દવાઓ આપવામાં આવી છે. ડામોરે કહ્યું, હજુ સુધી જંગલી પ્રાણી પકડાયું નથી. તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. પીડિતોના મતે તે એક જ પ્રાણી છે જો કે તે વરુ હતું તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. જ્યારે સોશિયલ મીડિયા પર ફરતી કથિત વિડિયો ક્લિપના આધારે તે કયું પ્રાણી હતું તે કહેવું ખૂબ જ વહેલું છે, DFOએ કહ્યું. વિડિયોમાં પ્રાણી શિયાળ જેવું દેખાતું છું. જે વરુ કરતાં થોડું નાનું છે.
બહરાઈચમાં વરુના હુમલાથી નવ લોકોના મોત
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વરુના હુમલાની ઘટનાની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં બહરાઈચ જિલ્લામાં વરુના હુમલામાં આઠ બાળકો સહિત નવ લોકોના મોત થયા છે. જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.