રાયપુર: ગઈ કાલે દસ ડિસેમ્બરના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિશે જાહેરાત કર્યા બાદ હવે તમામની નજર મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર છે. મધ્યપ્રદેશમાં આજે નવા સીએમ વિશે ભાજપ જાહેરાત કરશે જ્યારે રાજસ્થાનના બર ડિસેમ્બરના રોજ નવા મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવશે.
એમપી માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષક હરિયાણાના સીએમ મનોહર લાલ, ઓબીસી મોરચાના વડા કે લક્ષ્મણ અને પાર્ટીના સચિવ આશા લાકરા આજે ભોપાલ પહોંચીને બપોરના એક ના સુમારેથી ચાર વાગ્યા સુધી ધારાસભ્યો સાથે ચર્ચા કરશે. ત્રણ કલાકની આ બેઠકમાં ધારાસભ્ય દળના નવા નેતાનો નિર્ણય કરવામાં આવશે.
ત્યારે રાજસ્થાનના નિરીક્ષક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે મંગળવારે એટલે કે બાર ડિસેમ્બરના રોજ જયપુર પહોંચીને ધારાસભ્યો સાથે બેઠક કરે તેવી શક્યતા છે.
અગાઉ કૈલાશ વિજયવર્ગી અને સીએમ શિવરાજ સિંહ ચૌહણે એકબીજા સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્ય દળની બેઠક પહેલા થયેલી બંને નેતાઓ વચ્ચેની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેઠક માટે બોલાવ્યા તેની સાથે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીના કોઈપણ ધારાસભ્યએ તેના સહાયક અને સુરક્ષા કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા દેવા જોઈએ નહિ. તેમજ મીટીંગ પહેલા મીડિયામાં કોઈપણ પ્રકારનું નિવેદન આપવું જોઈએ નહિ.
કૈલાશે બીજેપીની જીતને મોદી મેજિક ગણાવ્યું હતું. નોંધનીય છે કે કૈલાશ વિજયવર્ગીય ઈન્દોર-1 સીટ પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. તેઓ પોતે પણ મુખ્ય પ્રધાન પદના દાવેદાર છે. ત્યારે શિવરાજ સિંહને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનાવવા માટે બેતુલ જિલ્લામાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. જિલ્લાના 130 ગામોમાં કિરાર સમુદાયના લોકોના ઘરે સુંદરકાંડનો પાઠ કરવામાં આવી રહ્યો છે. જે 13મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી ચાલુ રાખશે.