મધ્ય પ્રદેશમાં આર્મી સ્પેશિયલ ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર, જાણો શું છે મામલો?
ખંડવાઃ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં તાજેતરમાં પાટા પર ૧૦ ડિટોનેટરના વિસ્ફોટ થયા હતા, જેને રેલવેએ બિનહાનિકારક ગણાવ્યા હતા. જેના લીધે અધિકારીઓને ‘લશ્કરી વિશેષ ટ્રેન’ને થોડા સમય માટે રોકવાની ફરજ પડી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઘટના બુધવારે ભુસાવલ ડિવિઝનના નેપાનગર અને ખંડવા સ્ટેશનો વચ્ચે સાગફાટા પાસે બની હતી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલીના જણાવ્યા અનુસાર રેલવે સુરક્ષા બળ(આરપીએફ) ઘટનાની તપાસ કરી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે જે ડિટોનેટર ફાટ્યા હતા તે રેલવે દ્વારા આપવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ નિયમિત કામગીરીના ભાગ રૂપે કરવામાં આવે છે. આ ડિટોનેટરને ફટાકડા કહેવામાં આવે છે અને જ્યારે તે ફૂટે છે ત્યારે મોટો અવાજ કરે છે. જે આગળ કોઇ અવરોધ અથવા ધુમ્મસનો સંકેત છે.
તેમણે કહ્યું કે આ ડિટોનેટરનો રેલવે દ્વારા નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે છે અને આવા ડિટોનેટર ત્યાં(ટ્રેક પર) મૂકવામાં આવ્યા હતા. જો કે તેને ત્યાં રાખવાની કોઇ જરૂર નહોતી. તેથી આરપીએફ તેની ઊંડી તપાસ કરી રહી છે.
વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યા મુજબ ટ્રેક પર વોર્નિંગ સિગ્નલ અથવા ૧૦ બિનહાનિકારક ડિટોનેટર ફાટ્યા પછી અમારા ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ(સગફાટા)એ અવાજ સાંભળ્યો હતો. તેમણે લશ્કરી વિશેષ ટ્રેન રોકાવી અને ચીજોની તપાસ કરાવી હતી. જો કે ટ્રેનને માત્ર બે મિનિટમાં આગળ વધવાની પરવાનગી આપી દેવાઇ હતી.