ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મુખ્યાલય પાસે મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં 6 ફબ્રુઆરીના રોજ એટલે કે આજે સવારે વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
ફટાકડાના ઉપયોગ માટે ફેક્ટરીમાં રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં આગે ખૂબજ થોડા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફેક્ટરીમાંથી નીકળતી આગ અને અને ધુમાડો કેટલાય કિલોમીટર દૂરથી પણ જોઈ શકતા હતા. દુર્ઘટનામાં કેટલાક લોકોના મોતના સમાચાર પણ છે, જ્યારે 25થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રશાસને ફેક્ટરીના આજુબાજુના 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે. કારણકે ફેક્ટરીમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ હરદાના બૈરાગઢમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો જે ગેરકાયદે તે સ્થળે ચાલી રહી હતી. હજુ પણ અંદર ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, તેમને બચાવવા માટે SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને જે પણ દાઝી ગયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. તેમજ ઘણા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ફટાકડાની ફેક્ટરી હોવાના કારણે થોડી થોડી વારે જોર જોરથી ધડાકા સંભળાઈ રહ્યા છે અને ધડાકાની સાથે સાથે આગની જ્વાળાઓ પણ વધી રહી છે. અને તેના કારણે આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પરંતુ ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ માહિતી મળી નથી. જો કે પ્રશાસનનું કહેવું છે કે અંદર કેટલા લોકો છે તેની તપાસ ચાલી રહી છે પરંતુ પહેલી પ્રથમિકતા એ છે કે આગને કાબૂમાં લેવામાં આવે કારણકે આગ એટલી ભીષણ છે કે તેના માટે ઘણી જગ્યાએથી બચાવ કામગીરી માટે ટીમો બોલાવવી પડી છે.