loksabha સંગ્રામ 2024નેશનલ

એક્ઝિટ પૉલે કૉંગ્રેસને ગલગલીયા કરાવ્યા, પણ જનતાએ ફરી આપ્યો જાકારો

વિધાનસભાના ચાર રાજ્યોના આવેલા પરિણામોમાં સોથી મોટી નિરાશા કૉંગ્રેસને સાંપડી છે. જોકે કૉંગ્રેસ સાથે બીજા કોઈની પણ કારમી હાર થઈ છે અને તે છે મોટા ભાગની ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ. આ તમામ એક્ઝિટ પોલ્સએ કૉંગ્રેસને બે દિવસ માટે ગલગલીયા કરાવ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ચૂંટણીના પરિણામોમાં કૉંગ્રેસનો લગભગ સફાયો બોલી ગયો છે.

માત્ર તેલંગણામાં તે બીઆરએસને ભારે સરસાઈથી હરાવી જીત તરફ આગળ વધી રહી છે. છત્તીસગઢમાં તેના હાથમાં આવેલી સત્તા ગઈ છે તો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ તેના કરતા ઘણી આગળ નીકળી ગઈ છે અને સારા માર્જિન સાથે વિજયકૂચ કરી રહી છે. કૉંગ્રેસને નવા રાજ્ય મળવાને બદલે તેના હાથમાં હતા તે છત્તીસગઢ અને રાજસ્થાન પણ ઝૂંટવાય ચૂક્યા છે.

એક્ઝિટ પૉલ્સમાં મોટા ભાગની એજન્સીઓએ છત્તીસગઢમાં કૉંગ્રેસને વિજયી બનાવી દીધી હતી. તો ઘણાએ મધ્ય પ્રદેશમાં પણ પંજો ઉપર રહેશે તેવું ભાવિ ભાખ્યુ હતું. આ સાથે દર પાંચ વર્ષે સરકાર બદલતી રાજસ્થાનની જનતા આ વખતે ફરી પાંચ વર્ષ માટે અશોક ગહેલોત સરકારને સૂકાન આપશે તેમ પણ કહેવાતું હતું.

જોકે આ બધી વાતો ખોટી પડી, નિષ્ણાતો અને ચૂંટણી પંડિતો ખોટા પડ્યા અને ત્રણે રાજ્યમાં કમળ ખિલ્યું જ્યારે એક જ રાજ્ય કૉંગ્રેસને મળ્યું. દક્ષિણી રાજ્ય તેલંગણામાં કૉંગ્રેસની જીત મહત્વની, પરંતુ અહીં ભાજપની હાજરી જ ન હોવાથી લોકસભામાં ભાજપને ફટકો આપે તેમ કહી શકાય નહીં.

આ ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત આગામી લોકસભા 2024 માટે અત્યંત મહત્વની છે. જનતાએ કૉંગ્રેસને ફરી જાકારો આપ્યો છે. પ્રચાર સમયે કૉંગ્રેસે પણ કોઈ કસર છોડી ન હતી અને આ ચૂંટણીમાં બન્ને પક્ષો રણનીતિ સાથે ઉતર્યા હતા, છતાં કૉંગ્રેસના ભાગે ખાસ કંઈ આવ્યું નહીં. આ ત્રણ રાજ્યમાં ભાજપને મળેલી જીત કેન્દ્રની મોદી સરકારને મળેલી જીત પણ ગણાશે કારણ કે લોકો મોદી સરકારના કામકાજથી ખુશ હોય રાજ્યોમાં પણ તેનો પડઘો પડ્યો છે. વળી, આ પ્રકારની જીતનો ફાયદો લેવાનું ભાજપ ચૂકશે નહીં આથી લોકસભામાં પણ રાજ્યોમાં તેઓ મજબૂત હશે તેનો ફાયદો લેવામાં આવશે.

જો કૉંગ્રેસ રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશમાં જીત મેળવી શકી હોત તો મહાગઠબંધન ઈન્ડિયામાં પણ તેમનો દબદબો વધ્યો હોત અને તેઓ લોકસભામાં પોતાનો હાથ ઉપર રાખી શક્યા હોત. આ સાથે બીજા પક્ષોને પણ કૉંગ્રેસની જીતથી જોશ મળેત, પરંતુ આમ થયું નથી. હવે છટ્ઠીએ મળનારી ઈન્ડિયાની બેઠકમાં શું થાય તે જોવાનું રહ્યું, પરંતુ કૉંગ્રેસે જનતાના મનમાં ફરી વિશ્વાસ જગાવવા હજુ બેવડી મહેનત કરવી પડશે તે વાત નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button