મધ્ય પ્રદેશ ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારના સાથીદારની હત્યા
ભોપાલ: મધ્ય પ્રદેશના રાજનગર મતદારક્ષેત્રમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કૉંગ્રેસના ઉમેદવારના સાથીદારની હત્યા કરવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્યના અન્ય મતદારક્ષેત્રમાં પણ હિંસક અથડામણની ઘટના નોંધાઈ હતી.
ઈન્દોર જિલ્લાના મ્હો વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ અને મોરેના જિલ્લાના દિમાની મતદારક્ષેત્રમાં થયેલી અથડામણમાં બે જણ ઘાયલ થયા હતા, એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર આ મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. છત્તરપુર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અમિત સાંઘીના જણાવ્યા અનુસાર રાજનગર મતદારક્ષેત્રમાં શુક્રવારે સવારે બે રાજકીય નેતાઓના ટેકેદારો વચ્ચે થયેલી અથડામણમાં સલમાન નામની એક વ્યક્તિનું મોત થયું હતું.
આ બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમસિંહ ઉર્ફે નાતી રાજાએ જણાવ્યું હતું કે સલમાન ચૂંટણીપ્રચારમાં હંમેશા મારી સાથે જ રહેતો હતો.
જોકે, ભાજપના ઉમેદવાર અરવિંદ પટેરિયાએ આ ઘટનાને કાવતરું લેખાવી હતી અને ઘટનાને મામલે ન્યાયિક તપાસની માગણી કરી હતી.
મોરેના જિલ્લાના સંવેદનશીલ ગણાતા સૂમાવલી મતદારક્ષેત્રમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તેની ખાતરી કરવા પોલીસે ભાજપના ઉમેદવાર અંદાલસિંહ કંસારા, કૉંગ્રેસના ઉમેદવાર અજાબસિંહ કુશવાહ અને બસપના ઉમેદવાર કુલદીપસિંહ સિકારવારને એક જગ્યાએ બેસી રહેવા જણાવ્યું હતું.
આ ત્રણેને આગલે દિવસે જ વાતચીત કરવા બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે પોલીસના જણાવ્યા મુજબ વર્તવાની સહમતી દર્શાવી હતી. (એજન્સી)