મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ કમળથી હાર્યા નાથ: શું શિવરાજની જાહેરાત ભાજપ માટે ગેમ ચેન્જર બની?
ભોપાલ: આખરે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ‘કમળ’ ખીલતું સાફ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમપીમાં ભાજપ માટે જીતવું આ વખતે મુશ્કેલ છે. કૉંગ્રેસનો જાદુ ચાલી જશે. કૉંગ્રેસના તમામ પ્રયાસો છતાં, એન્ટિ એન્કમ્બનસી પરિબળ હોવા છતાં અહીં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આટલા ટૂંકા ગાળામાં એવું તે શું થઇ ગયું જેણે ભાજપને ચૂંટણીની રેસમાં જ નહીં, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય અપાવ્યો. આપણે એવા કેટલાંક પરિબળો જાણીએ જે ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થયા.
શિવરાજસિંહ ચૌહાણની આ જાહેરાત માસ્ટર સ્ટ્રોક બની
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે થોડા મહિના પહેલા લાડલી બહેના યોજનાની જાહેરાત કરી હતી, જે ભાજપ માટે ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થઈ છે. ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે કોઈ મોટો મુદ્દો નહોતો, પણ લાડલી બહેના યોજના ભાજપને ચૂંટણીમાં જીત તરફ દોરી ગઇ છે. શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં ઘૂંટણિયે પડીને આ યોજનાની જાહેરાત કરી હતી. આમાં ભાજપે રાજ્યની ૧.૫ કરોડથી વધુ મહિલાઓને પહેલા ૧૦૦૦ રૂપિયા અને પછી ૧૨૫૦ રૂપિયા પ્રતિ માસ આપવાનું શરૂ કર્યું. ભાજપે તો ત્યાં સુધી કહ્યું કે જો અમે જીતીશું તો દર મહિનાની આ રકમ વધારીને ૩૦૦૦ રૂપિયા સુધી પણ કરીશું. અમે અમારી વહાલી બહેનોને ઘર પણ આપીશું. કારણ કે મહિલાઓને ફાયદો થાય છે એટલે સમગ્ર પરિવારને લાભ થાય છે. આને કારણે બહેનોએ ભારી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કર્યું. આમ આ યોજનાએ ભાજપને જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ નિર્વિવાદ છે.