નેશનલ

નવો વિવાદ! મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીએ રાજા રામ મોહન રાયને ગણાવ્યા ‘બ્રિટિશ એજન્ટ’

ભોપાલ: મધ્ય પ્રદેશના શિક્ષણ પ્રધાને જ ભાંગરો વાટ્યો છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંત્રી ઈંદર સિંહ પરમારે 19મી સદીના સમાજ સુધારક રાજા રામમોહન રાય વિશે ટિપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો છે. તેમણે રાજા રામમોહનરાયને બ્રિટિશ એજન્ટ ગણાવ્યા હતા.

આગર માલવામાં બિરસા મુંડા જયંતી સમારોહમાં બોલતા સમયે તેમણે દાવો કર્યો કે અંગ્રેજોએ પોતાના એજન્ડાને પૂર્ણ કરવા માટે નકલી સમાજ સુધારકો બનાવ્યા હતા અને તેમાં રોયનું નામ પણ સામેલ હતું.

ઈંદર સિંહ પરમારે કહ્યું હતું કે, “રાજા રામ મોહન રાય બ્રિટીશ એજન્ટ હતા. તેમણે દેશમાં તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું. તેમણે ધાર્મિક પરિવર્તનનું દુષ્ટ ચક્ર શરૂ કર્યું હતું.” તેમણે આગળ કહ્યું કે “જો કોઈમાં આને રોકવા અને આદિવાસી સમાજનું રક્ષણ કરવાની હિંમત હતી, તો તે બિરસા મુંડા હતા.”

વધુમાં દાવો કર્યો કે બ્રિટીશ યુગ દરમિયાન, મિશનરી શાળાઓ એકમાત્ર શૈક્ષણિક સંસ્થાઓ હતી અને તેઓ ધાર્મિક પરિવર્તન માટે શિક્ષણનો ઉપયોગ કરતા હતા. તેમણે કહ્યું કે બિરસા મુંડાએ આ વલણને ઓળખ્યું અને પોતાના સમુદાય માટે અને બ્રિટીશ શાસન સામે લડવા માટે મિશનરી શિક્ષણ છોડી દીધું.

મંત્રીએ આગળ કહ્યું કે, “બિરસા મુંડા શિક્ષણ મેળવવા માંગતા હતા, પરંતુ તે સમયે ફક્ત અંગ્રેજી મિશનરી શાળાઓ જ ચાલતી હતી. ત્યાં અભ્યાસ કરતી વખતે, તેમને ખ્યાલ આવ્યો કે અંગ્રેજો ધર્માંતરણ માટે શિક્ષણનો ઉપયોગ કરી રહ્યા હતા. આ પછી, બિરસા મુંડાએ મિશનરી શાળા છોડી દીધી અને સમાજ સેવા અને બ્રિટીશ શાસનનો અંત લાવવા માટે પોતાને સમર્પિત કરી દીધા.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button