કટરા: હવે માતા વૈષ્ણો દેવીના ભક્તોએ તેમના દર્શન કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અને દર્શન માટે કેટલાક ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે દેવીના ભક્તોને શિષ્ટ વસ્ત્રો પહેરીને માતાના દરબારમાં આવવાની સલાહ આપી છે. મંદિર પ્રશાસન દ્વારા ડ્રેસ કોડ અંગેની સૂચના જારી કરવામાં આવી છે.
મંદિર પ્રશાસને કહ્યું છે કે માતા વૈષ્ણોદેવીના મંદિરમાં આવતા તમામ ભક્તોએ યોગ્ય કપડાં પહેરવા પડશે. મહિલાઓને સાડી પહેરવાની સલાહ આપવામાં આવી છે. તેમને શોર્ટ્સ, બર્મુડા, ટી-શર્ટ, નાઇટ સૂટ વગેરે જેવા ટૂંકા કપડાં પહેરીને મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા કપડા પહેરીને આવનારને દર્શન અને આરતીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. આ ડ્રેસ કોડનો કડક અમલ કરવામાં આવશે.
ડ્રેસ કોડ સંબંધિત આ નિયમ જૂનો છે, પરંતુ મંદિર પ્રશાસન હવે તેને ફરજિયાત બનાવી રહ્યું છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની પવિત્રતા અને ગરિમા જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
આજથી એટલે કે 15મી ઓક્ટોબર 2023થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. તે 24 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. નવરાત્રિના 9 દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન, કેટલાક લોકો પ્રથમ અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે, જ્યારે કેટલાક 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ વખતે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા સમગ્ર નવરાત્રિમાં ઉપવાસ કરનારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાના તમામ માર્ગો પર શ્રદ્ધાળુઓને લંગરમાં મફત ફળ આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને