પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ વીઆઈપીઓને વર્ષ એક જ વાર તિરુપતિ આવવા અપીલ કરી

તિરુપતિ: તિરુપતિ બાલાજી મંદિરએ દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ મંદિર છે. ત્યારે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દેશના વીઆઈપીઓને અપીલ કરી છે. વેંકૈયા નાયડુએ અપીલ કરી કે વીઆઈપીઓએ શ્રદ્ધાળુઓના હિતમાં પોતાની યાત્રા વર્ષમાં એક જ વાર સુધી જ સીમિત રાખવી જોઈએ.ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સોમવારે તિરુપતિ મંદિરના દર્શન બાદ આ વાત જણાવી હતી.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સૂચન કર્યું
આ ઉપરાંત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પણ આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, શ્રદ્ધાળુઓની સુવિધા માટે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સૂચન કર્યું છે કે વીઆઈપી લોકોએ શ્રી વેંકટેશ્વરના દર્શન માટે વર્ષમાં માત્ર એક જ વાર તિરુમાલા આવવું જોઈએ.
મંદિર મેનેજમેન્ટ પર દબાણ ઓછું થશે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટની વ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમ છતાં દર્શન માટે ઉપલબ્ધ સ્થળ અને સમય સીમિત છે. તેવા સમયે જો વીઆઈપી લોકો પોતાના પરિવાર સાથે વર્ષમાં એક જ વાર તિરુમાલા આવે તે ઇચ્છનીય છે. જેના લીધે મંદિર મેનેજમેન્ટ પર દબાણ ઓછું થશે. તેમણે શ્રદ્ધાળુઓ માટે સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ જન પ્રતિનિધિઓને આ સિસ્ટમ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.
વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના તિરુમાલામાં સ્થિત
ઉલ્લેખનીય છે કે, ભગવાન વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના તિરુમાલામાં આવેલું છે અને તેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે અને ભારતના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વતો પર આવેલું છે.