Ludhiana jail: ‘મણિ વીરે દા આજ બડે હૈ…’, ચા અને પકોડા સાથે કેદીઓની બર્થડે પાર્ટી, વીડિયો વાયરલ બાદ હોબાળો
લુધિયાણા: પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલના અધિકારીઓની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેલની અંદર કેદીઓનો જન્મદિવસની ઉજવણી કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી ક્લિપમાં કેદીઓનું એક જૂથ હાથમાં ચાની પ્યાલીઓ લઈને પકોડા ખાતા જોવા મળે છે. કેદીઓને “मणि वीरे दा अज बड्डे है (આજે મણિભાઈનો જન્મદિવસ છે)” ગઈ રહ્યા છે. આ તમામ કેદીઓ અરુણ કુમાર ઉર્ફે મણિ રાણાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જે હિમાચલ પ્રદેશમાં 2019માં થયેલી એક લૂંટ કેસમાં અન્ડરટ્રાયલ કેદી છે.
જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે રાણાના પાસેથી વિડિયો રેકોર્ડ કરવા અને અપલોડ કરવા માટે વપરાયેલ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જો કે ફોન તૂટેલા મળી આવ્યો હતો અને ફોનનો ડેટા હજુ મળ્યો નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાણાની સાથે 10 અન્ય કેદીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમની ઓળખ પણ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલવામાં આવી છે.
વાયરલ ક્લિપમાં ઓળખાયેલા તમામ 11 કેદીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 52A (જેલના નિયમોનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે પંજાબની જેલો ખોટા કારણોસર સમાચારમાં હોય. ગયા વર્ષે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કહ્યું હતું કે જેલની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે કારણ કે ગુનેગારો જેલની અંદર બેસીને રેકેટ ચલાવી રહ્યા છે.