નેશનલ

લખનઉના કબાબ અને બિરયાનીની દુનિયા દીવાની! લખનઉ UNESCOની ‘સિટી ઓફ ગેસ્ટ્રોનોમી’ જાહેર

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ, જેને તેની અદબ, તહઝીબ અને ભવ્ય ઇમારતોને કારણે ‘નવાબોનું શહેર’ કહેવામાં આવે છે, તેનું વૈશ્વિક સ્તરે બહુમાન થયું છે અને યુનેસ્કો (UNESCO) દ્વારા લખનઉને ‘ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી’ (Creative City of Gastronomy – પાક કલાનું સર્જનાત્મક શહેર) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ દરજ્જો એવા શહેરને મળે છે જે તેની ખાણી-પીણીની પરંપરા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને નવાચાર દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતું હોય.

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત યુનેસ્કોના 43મા મહાસંમેલનમાં ‘વિશ્વ નગર દિવસ’ના અવસર પર આ જાહેરાત કરવામાં આવી હતી. યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે અયોલેએ સ્પષ્ટ કર્યું કે લખનઉને ‘પાક કલા’ (Culinary Arts) શ્રેણી હેઠળ આ માન્યતા મળી છે, જે તેની સદીઓ જૂની વાનગીઓની વિરાસતને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ આપે છે. આ સાથે, યુનેસ્કોના આ નેટવર્કમાં હવે 100થી વધુ દેશોના કુલ 408 શહેરોનો સમાવેશ થાય છે.

લખનઉ ખરેખર ભારતીય ભોજનના શોખીનો માટે એક સ્વર્ગ છે. ‘યુનાઇટેડ નેશન્સ ઇન ઇન્ડિયા’ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે મોંમાં પાણી લાવી દેતા લહેજતદાર ગલાઉટી કબાબથી માંડીને અદ્ભુત અવધી બિરયાની, સ્વાદિષ્ટ ચાટ, ગોલગપ્પા અને ઉત્તમ મખ્ખન મલાઈ જેવી મીઠાઈઓ – ઉત્તર પ્રદેશનું લખનઉ સદીઓ જૂની પરંપરાઓથી ભરપૂર ખાણી-પીણીની વાનગીઓની જન્નત છે. યુનેસ્કો દ્વારા આપવામાં આવેલો આ દરજ્જો લખનઉના અવધી ભોજનની સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવશે, જે તેની ‘સોફ્ટ પાવર’ને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરશે.

આ સન્માન મળ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી. યુપીના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આજે ઉત્તર પ્રદેશ દેશનું ગૌરવ બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લખનઉની આ મોટી સિદ્ધિ તેના સમૃદ્ધ ખાણી-પીણી અને સંસ્કૃતિને વિશ્વ સ્તરે સ્વીકૃતિ મળ્યાનું પ્રમાણ છે.

આપણ વાંચો:  હજુ પણ લોકો પાસે જે રૂ. 2000ની ચલણી નોટ: RBIએ જાહેર કર્યો ચોંકાવનારો આંકડો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button