ફૂડ ડિલીવરી એપ પર મગાવ્યુ ચીલી પનીર, પણ આવ્યુ ચીલી ચીકન પછી….
આજકાલ તો એપનો જમાનો છે. તમને જે જોઇએ તે એપ દ્વારા ઓર્ડર કરો અને તમને તે મળી જાય છે. તમારે બહાર જવાની જરૂરત જ નથી રહેતી. ફિલ્મની ટિકિટ હોય કે ગ્રોસરી સામાન હોય કે દવા, કપડાં વગેરે કંઇ પણ વસ્તુ હોય…. બધુ આંગળીને ટેરવે હાજર છે. તમે બસ ઓર્ડર કરો અને તમને તે ઘેર બેઠઆ મળી જાય છે. આજકાલ ઘણી ફૂડ એપ પણ છે, જે તમને હોટેલના ચટાકેદાર ખાણા ઘેર બેઠા આપી જાય છે, પણ ક્યારેક આવી એપ પરથી ઓર્ડર કરવામાં કડવા અનુભવ પણ થાય છે. આવું જ કંઇક લખનઊના શાકાહારી પરિવાર સાથે થયું છે.
લખનઊ શહેરના આશિયાના વિસ્તારમાં રહેતા એક શાકાહારી પરિવારે એક ચાઈનીઝ રેસ્ટોરન્ટના માલિક અને ફૂડ ડિલિવરી એગ્રીગેટરના કર્મચારી વિરુદ્ધ માંસાહારી ખોરાક પહોંચાડવા બદલ કેસ નોંધાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત રાકેશ કુમાર શાસ્ત્રીએ ફૂડ ડિલિવરી એપ દ્વારા ચંદર નગર વિસ્તારની એક રેસ્ટોરન્ટમાંથી ડ્રાય ચીલી પનીર મંગાવ્યું હતું, પરંતુ તેને બદલે તેને ચિલી ચિકન મળ્યું હતું. તેણે કહ્યું કે જ્યારે અમે ખાવાનું શરૂ કર્યું ત્યારે મારી પત્નીએ કહ્યું કે તેનો સ્વાદ વિચિત્ર હતો. મેં બોક્સ ચેક કર્યું ત્યારે મને જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટે અમને ચીલી પનીરને બદલે ચિલી ચિકન મોકલ્યું હતું.
પીડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ખુલાસા પછી તેની પત્નીને ઉલ્ટી થવા લાગી હતી. પોતાને બાલાજી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ ગણાવતા પીડિતે કહ્યું હતું કે આ ઘટનાને કારણે અમારો આખો પરિવાર દુખી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરન્ટે ચેક કર્યા વગર જ ઓર્ડર પેક કર્યો હતો અને ડિલિવરી બોયએ પણ ધ્યાન નહોતું આપ્યું. એડીસીપીએ જણાવ્યું હતું કે ડિલિવરી બોય અને રેસ્ટોરન્ટના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.