લખનઉમાં ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ મૃત્યાંક વધીને આઠ થયો…
લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે આ દુર્ઘટનામાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. ઉત્તર પ્રદેશના રાહત કમિશનર જીએસ નવીન કુમારે આજે જણાવ્યું હતું કે બચાવ કામગીરી દરમિયાન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમે વધુ ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રાજ કિશોર (27), રૂદ્ર યાદવ (24) અને જગરૂપ સિંહ (35)ના મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે આ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે.
માહિતી નિર્દેશક શિશિરે કહ્યું હતું કે આંબેડકર નગરથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ઘટનામાં ઘાયલ લોકોને મળવા અહીં લોક બંધુ હોસ્પિટલની મુલાકાત લેશે. જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ અમિત વર્માએ જણાવ્યું હતું કે હજુ પણ કોઈ અંદર ફસાયું હોય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સામેલ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આઠમો મૃતદેહ રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ મળી આવ્યો હતો.
જોઈન્ટ સીપી વર્માએ જણાવ્યું હતું કે, “અમે હવે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કે કાટમાળ નીચે અન્ય કોઈ ફસાયું છે કે નહીં. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કાટમાળને હટાવી રહી છે જેમાં સમય લાગશે. કાટમાળની અંદર હજુ પણ કોઈ હોવાની શક્યતા ઓછી છે. જો ત્યાં કોઈ હોત તો તેમના પરિવારના સભ્યોએ અત્યાર સુધીમાં અમારો સંપર્ક કર્યો હોત.
પોલીસે જણાવ્યું હતું કે આ ઈમારત લગભગ ચાર વર્ષ પહેલા બાંધવામાં આવી હતી અને ઘટના સમયે કેટલાક બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. શનિવારે સાંજે 4:45 વાગ્યે આ ઘટના બની ત્યારે મોટાભાગના પીડિતો ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહ્યા હતા. ઘાયલોને જિલ્લાની લોક બંધુ હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મોટર વર્કશોપ અને વેરહાઉસ, પહેલા માળે મેડિકલ ગોડાઉન અને બીજા માળે કટલરી વેરહાઉસ હતું. મેડીકલ ગોડાઉનમાં કામ કરતા અને ઈજાગ્રસ્તોમાં સામેલ આકાશ સિંહે જણાવ્યું હતું કે ઈમારતના થાંભલામાં તિરાડ પડી ગઈ હતી.