લખનઊમાં ત્રણ માળની ઈમારત ધરાશાયીઃ ચારનાં મોત, 30ને બચાવાયા
લખનઊઃ શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની બિલ્ડિંગની ધરાશાયી થવાની ઘટના બની. ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના પછી અધિકારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં અનેક લોકો દટાયા હોવાની શક્યતા છે.
ટ્રાન્સપોર્ટ નગર સ્થિત હરમિલાપ નામની ત્રણ માળની બિલ્ડિંગ સાંજના પાંચ વાગ્યાના સુમારે ધરાશાયી થઈ હતી. આ બનાવ પછી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે બચાવ કામગીરી વખતે 30 લોકોને બચાવવામાં આવ્યા હતા, જ્યારે 27 લોકો જખમી થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રાજ્ય સરકારે ખેદ વ્યક્ત કર્યો હતો તથા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક જરુરી મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. આ બનાવ અંગે સરકારી અધિકારીએ કહ્યું હતું કે બિલ્ડિંગમાં દવાનો કારોબાર કરવામાં આવતો હતો. બચાવ કામગીરી માટે હાલમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ પ્રશાસનની સાથે રાજ્ય સરકારના અધિકારીઓ પહોંચ્યા હતા. જિલ્લા અધિકારી સૂર્ય પાલ ગંગાવારે કહ્યું હતું કે દુર્ઘટનાસ્થળે ડિસ્ટ્રિક્ટ ક્લેક્ટર સહિત અન્ય અધિકારી પહોંચ્યા છે. સરોજનીનગરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાના બનાવમાં લોકો ડરી ગયા હતા. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની સાથે આઠ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો : તેલંગણા પર હજુ ભારે વરસાદનું તોળાતું જોખમ, આંધ્ર પ્રદેશમાં આર્મી બની દેવદૂત
અનેક લોકોને બિલ્ડિંગમાંથી કાઢવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને લોકબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27 લોકોને ઈજા પહોંચી છે, જેમાં પાંચ જણની હાલત ગંભીર છે, એમ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું.