LPG Price Cut: ગેસ સિલિન્ડર થયું સસ્તું, કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો, જાણો હવે શું છે નવી કિંમત
નવી દિલ્હી: આજે મે મહિનાના પહેલા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી(Commercial LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો(Price cut) કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજથી 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,745.50 રૂપિયામાં મળશે થશે. કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને સામાન્ય રાહત મળી છે.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એવામાં ઓઈલ કંપનીઓએ લોકોને રાહત આપી છે. આજથી એટલે કે 1 મે, 2024થી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1745.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જ્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં એલપીજી ગેસ સિલિન્ડર 1698.50ના દરે મળશે. જ્યારે કોલકાતામાં તે 1859 રૂપિયાના દરે અને ચેન્નાઈમાં તે 1911 રૂપિયાના દરે મળશે.
ગત મહીને એપ્રિલ મહિનામાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ઘણી જગ્યાએ થાય છે. ઘરોમાં 19 કિલોના સિલિન્ડરને બદલે 14.2 કિલોના સિલિન્ડરનો ઉપયોગ થાય છે.
ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરમાં વાપરતા રાંધણગેસના સિલિન્ડરની કિંમત સ્થિર રહી છે. છેલ્લી વખત મહિલા દિવસના અવસર પર ડોમેસ્ટીક સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.