
નવી દિલ્હીઃ દેશના 4 મોટા મહાનગરોમાં ફરી એકવાર LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ નવી કિંમતો 16 નવેમ્બરથી જ લાગુ કરી દીધી છે. છઠના તહેવાર પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દિલ્હી મહાનગરમાં કોમર્શિયલ સિલિન્ડર 57.50 રૂપિયા સસ્તું થયું છે. આ પછી દિલ્હીમાં 19 કિલોના બ્લુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1775.50 રૂપિયા થઈ ગઈ છે.
પહેલા તેની કિંમત 1833 રૂપિયા હતી. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. તેની કિંમત હવે કોલકાતામાં 1885.50 રૂપિયા, મુંબઈમાં 1728 રૂપિયા અને ચેન્નાઈમાં 1942 રૂપિયા થઈ ગઈ છે. 1 નવેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1943 રૂપિયા, મુંબઈમાં 1785.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1999.50 રૂપિયા હતી. સરકારે 15 દિવસ પહેલા એટલે કે 1 નવેમ્બરના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો હતો.
જ્યારે આ પહેલા ઓક્ટોબરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1731.50 રૂપિયા, કોલકાતામાં 1839.50 રૂપિયા, મુંબઈમાં 1684 રૂપિયા અને ચેન્નાઈમાં 1898 રૂપિયા હતી. ઓગસ્ટ મહિનાથી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, હવે સરકાર તેના પર 200 રૂપિયાની સબસિડી આપી રહી છે. તેથી, 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં અગાઉનો ફેરફાર માર્ચ 2023માં થયો હતો. આ સિવાય સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની છૂટ આપી રહી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 603 રૂપિયા છે.