લવ જિહાદઃ ભાજપના નેતાએ મુંબઈથી શૂટર બોલાવી મુસ્લિમ પરિવારના ઘરે ફાયરિંગ કરાવ્યું | મુંબઈ સમાચાર
નેશનલ

લવ જિહાદઃ ભાજપના નેતાએ મુંબઈથી શૂટર બોલાવી મુસ્લિમ પરિવારના ઘરે ફાયરિંગ કરાવ્યું

રાયપુર: છત્તીસગઢમાં કોઇ એક સમુદાયના પરિવાર પર ગોળીબાર કરીને દહેશત ફેલાવવાના આરોપમાં એક બીજેપી નેતા અને સોપારી કીલર સહિત 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. ઘટનાનું કારણ લવ જેહાદ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોરબા જિલ્લાના કસનિયા ગામમાં 25 સપ્ટેમ્બરની રાત્રે વિશેષ સમુદાયના ઘર અને દુકાન પર ફાયરિંગ થયું હતું. ગોળીબાર કરીને ભાગી રહેલા આરોપીને ગામના લોકોએ રંગે હાથ પકડીને પોલીસને સોંપી દીધો હતો અને પોલીસ હવે આગળની કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન યુવકે તેની ઓળખ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો રહેવાસી અને હાલ મુંબઈ રહેતા દુર્ગેશ પાંડે (ઉ. વ.22) તરીકે આપી હતી. તે કોરબાના કૃષ્ણાનગરમાં રોકાયો હતો અને તેના મિત્ર શક્તિસિંહે સોપારી દઈને તેને અહી બોલાવ્યો હતો. શક્તિસિંહે કસનિયા ગામના તૌસીફ મેમણના પરિવારને ધમકાવવાનું કામ સોંપ્યું હતું. આ સમગ્ર બનાવનો માસ્ટરમાઇન્ડ ભાજપ નેતા શક્તિસિંહ હતો અને અન્ય બે સાગરીતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

શૂટર દુર્ગેશ પાંડેના નિવેદનના આધારે પોલીસ ઘટનાના બે સાગરીત આશિષ અને હર્ષને ઝડપી લીધા હતા. આરોપીઓએ સમગ્ર બનાવનો માસ્ટરમાઇન્ડ શક્તિસિંહ હોવાનું કબૂલ્યું હતું. જો કે ઘટના પહેલા જ તે ત્યાંથી નાસી ગયો હતો પરતું પોલીસે સાઇબર સેલની મદદથી તેને રાયપુરથી ઝડપી લીધો હતો. તેની સાથે નાસી છૂટેલા આશિષની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપી મૂળ રીતે તો ઝારખંડનો રહેવાસી છે અને કોસાબાડી મંડળના ભાજપનો મહામંત્રી છે. સોશિયલ મીડિયા પર ભાજપના પ્રધાનો અને વરિષ્ઠ નેતાઓ સાથે તેના ફોટોગ્રાફ્સ જોવા મળ્યા હતા.

કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર

છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દીપક બૈજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર શક્તિ સિંહ અને કેબિનેટ પ્રધાન લાલન દેવાંગનની તસવીર શેર કરીને લખ્યું કે, મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાયના શાસનમાં અપરાધીઓને છૂટો દોર મળી ગયો છે, જેના કારણે સોપારી આપીને હત્યા કરાવવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેમણે કહ્યું કે કોરબાના કટઘોરામાં થયેલા ગોળીબારનો મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) શક્તિ સિંહ ઉર્ફે શક્તિ દાસ ભાજપનો સભ્ય છે, જે સાબિત કરે છે કે ભાજપ અપરાધીઓને રક્ષણ આપે છે. બૈજે શેર કરેલી તસવીરમાં શક્તિ સિંહ કોરબાના ધારાસભ્ય અને ઉદ્યોગ તથા શ્રમ મંત્રી લાલન દેવાંગનને ગુલદસ્તો અર્પણ કરતો દેખાય છે. પોલીસ આ સનસનાટીભર્યા ઘટનાના કારણનો ખુલાસો કરવાથી બચી રહી છે, પરંતુ વિભાગીય સૂત્રો અનુસાર, લવ જિહાદ આ ઘટનાનું મુખ્ય કારણ છે.

આપણ વાંચો:  ST વિરુદ્ધ અપરાધના કિસ્સાઓ 10 હજારથી વધીને 12,960 થયા, આ રાજ્ય ટોચના સ્થાને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button