(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિક્રમી તેજી સાથે ૭૫,૦૦૦ની સપાટી વટાવીને એક નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહેલા સેન્સેક્સમાં સપ્તાહના અંતિમ દિવસે ૭૯૩.૨૫ પોઇન્ટનો કડાકો બોલી ગયો હોવાથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨.૫૨ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે.
અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા બાદ ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરવાનું વધુ પાછળ ઠેલશે એવી આશંકા વચ્ચે વેચવાલીનું દબામ વધવાને કારણે સેન્સેક્સ ૭૯૩.૨૫ પોઈન્ટ અથવા ૧.૦૬ ટકા ઘટીને ૭૪,૨૪૪.૯૦ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૫૦ ૨૩૪.૪૦ પોઈન્ટ અથવા ૧.૦૩ ટકા ઘટીને ૨૨,૫૧૯.૪૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીએ ૧૨ એપ્રિલે વ્યાપક જોરદાર અને એકધારી વેચવાલીના દબાણને કારણે એક ટકાના નોંધપાત્ર ધોવાણનો ફટકો ખાધો છે. તમામ સેકટરલ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કુલ ટ્રેડેડ શેરોમાં લગભગ ૧,૨૮૦ શેર વધ્યા, ૨,૦૧૭ શેર ઘટ્યા અને ૬૪ શેર યથાવત રહ્યા હતા.
સન ફાર્મા, મારુતિ, પાવર ગ્રીડ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો અને સ્ટેટ બેન્ક ટોપ લુઝર્સની યાદીમાં હતા. જ્યારે ટાટા મોટર્સ, ટીસીએસ અને નેસ્લે ટોપ ગેઇનર્સ હતા. ભારતી હેક્સાકોમનો શેર શેરબજારની નબળી સ્થિતિ વચ્ચે ૩૨.૪૫ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા બાદ તેના રૂ. ૫૭૦ના ઇશ્યૂ ભાવ સામે ૪૩ ટકાના ઉછાળા સાથે રૂ. ૭૫૫.૨૦ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીમાં ડિવિસ લેબોરેટરીઝ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, નેસ્લે અને ટીસીએસ
ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં રહ્યાં હતાં, જ્યારે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ અને ટાઇટન કંપની સૌથી વધુ ઘટનારા મુખ્ય શેરોની યાદીમં હતાં.
તમામ ક્ષેત્રીય બેન્માચર્ક નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરને સૌથી વધુ નુકસાન થયું હતું કારણ કે તેમાં અનુક્રમે ૧.૮ ટકા અને ૧.૫ ટકાનો કડાકો હતો. નિફ્ટી મીડિયા, નિફ્ટી પીએસયુ બેન્ક અને નિફ્ટી એફએમસીજી એક ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. એનએસઇ મિડકેપ ઇન્ડેક્સ પણ ૦.૪ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો હતો.