ભગવાન રામનું શાસન બંધારણના ઘડવૈયા માટે પ્રેરણાસ્રોત: વડા પ્રધાન મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્ર સાથે બાંધી દીધા છે આ દરમિયાન જે શક્તિ જોવા મળી જે વિકસિત ભારતના સંકલ્પો માટે મોટો આધાર છે.
આકાશવાણીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૦૯મા અને આ વર્ષના પહેલા એપિસોડમાં દેશવાસીઓ સાથે વાતચીત કરતા વડા પ્રધાને કહ્યું હતું કે ભગવાન રામનું શાસન દેશના બંધારણના ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત હતું. તેમણે કહ્યું કે આ વર્ષે આપણા બંધારણના નિર્માણના ૭૫ વર્ષ છે અને સુપ્રીમ કોર્ટના પણ ૭૫ વર્ષ છે અને લોકશાહીના આ તહેવારો ભારતને લોકશાહીની જનનીના રૂપમાં વધુ મજબૂત બનાવે છે.
તેમણે કહ્યું કે ભારતીય બંધારણની મૂળ નકલના ત્રીજા અધ્યાયમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે ખૂબ જ રસપ્રદ છે કે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં બંધારણના નિર્માતાઓએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીનાં ચિત્રો મૂક્યાં છે. તેમણે કહ્યું, “પ્રભુ રામનું શાસન આપણા બંધારણના ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત હતું અને તેથી જ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મેં ‘દેવ સે દેશ’ અને ‘રામ સે રાષ્ટ્ર’ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્રમાં બાંધી દીધા છે.
દરેકની લાગણી એક, દરેકની ભક્તિ એક, દરેકના હૃદયમાં રામ છે. વડા પ્રધાને કહ્યું હતું કે ૨૨ જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે ‘રામ જ્યોતિ’ પ્રગટાવી અને દિવાળીની ઉજવણી કરી અને આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના સંકલ્પોનો મોટો આધાર છે.
વડા પ્રધાને આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડને ‘ખૂબ જ અદભુત’ ગણાવી હતી અને કહ્યું હતું કે આ વખતે મહિલા શક્તિની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, જ્યારે કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ કર્તવ્ય પથ પર પરેડ કરવાની શરૂઆત કરી ત્યારે દરેક ગર્વ અનુભવતા હતા. મહિલા બેન્ડની કૂચ જોઈને અને તેમનું જબરદસ્ત સંકલન જોઈને દેશ-વિદેશમાં લોકો ઉત્સાહિત થઈ ગયા. અર્જુન એવોર્ડ મેળવનારી ૧૩ મહિલા ખેલાડીઓનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે બદલાતા ભારતમાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં અજાયબીઓ કરી રહી છે.