નેશનલ

રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ અને પરિસરમાં બિરાજશે ઋષિઓ અને દેવી-દેવતાઓ

મુખ્ય મંદિર ઉપરાંત મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્ર્વામિત્ર, માતા શબરી અને દેવી અહલ્યાનાં બની રહ્યાં છે અન્ય સાત મંદિર

જય શ્રીરામ:અયોધ્યામાં શ્રદ્ધાળુઓએ વિવિધ તિલક કર્યા હતા. નવનિર્મિત ઍરપૉર્ટ, રેલવે સ્ટેશન ખૂલ્લું મૂક્યા બાદ રૂપિયા ૧૫,૭૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ કર્યા બાદ જાહેરસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય. અયોધ્યાના લતા મંગેશકર ચોક ખાતે મોદી. અયોધ્યા ધામ સ્ટેશન ખાતેથી બે અમૃત ભારત અને છ વંદેભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવાઇ હતી. (પીટીઆઇ)

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્યના પહેલા તબક્કાનું કામ લગભગ પૂર્ણ થવાને આરે છે. મંદિર સંકુલમાં પ્રમુખ ઋષિઓના પણ દર્શન કરવા મળશે. દક્ષિણ ભાગમાં ઋષિ અગસ્ત્ય, ઋષિ વિશ્ર્વામિત્ર, ઋષિ વશિષ્ઠ, મહર્ષિ વાલ્મીકિના મંદિર બનશે. આ સાથે વનવાસ દરમિયાન ભગવાન રામના સંપર્કમાં આવેલાં અહિલ્યા, માતા શબરી, નિષાદ રાજના પણ મંદિર બનાવવામાં આવશે. જટાૂની મૂર્તિ બનીને તૈયાર છે. ભગવાન સૂર્ય ઉપરાંત ગણેશ, મા ભવાની, ભગવાન શંકર, હનુમાનજીના મંદિર બનાવવામાં આવશે.

અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી નજીક આવી રહી છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ બિરાજશે. તેમજ મંદિરમાં ઋષિઓના પણ દર્શન થશે. મુખ્ય રામ મંદિર ઉપરાંત સાત અન્ય દેવી-દેવતાઓનાં મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. જે મંદિર પરિસરની શોભા વધારશે. મુખ્ય મંદિરથી થોડું દૂર આધ્યાત્મિક રૂપે મહત્વપૂર્ણ મંદિરોને જગ્યા આપવામાં આવી છે. જેમાં મહર્ષિ વાલ્મીકિ મંદિર, મહર્ષિ વશિષ્ઠ મંદિર, મહર્ષિ વિશ્ર્વામિત્ર મંદિર, મહર્ષિ અગસ્ત્ય મંદિર, નિષાદ રાજ, માતા શબરી, દેવી અહિલ્યા મંદિર લોકોને ત્રેતાયુગનો અનુભવ કરાવશે.

રામની નગરી અયોધ્યાને ત્રેતાયુગની થીમ પર શણગારવામાં આવી છે. સરકારે અયોધ્યામાં લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. કોરિડોરની સાથે અલગ-અલગ મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં નવા રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. મંદિર સંકુલના ચારેય ખૂણા સૂર્ય દેવ, માં ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત હશે. ઉત્તર દિશામાં માં અન્નપૂર્ણાના એક મંદિરનું નિર્માણ કરવામાં આવશે. દક્ષિણ તરફ ભગવાન હનુમાનનું મંદિર હશે. ઉત્તરના ખૂણામાં માતા અન્નપૂર્ણાનું મંદિર બનશે. અયોધ્યાના કુબેર ટીલા પર જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

રામ મંદિર અઢી એકરમાં બનેલું છે. પરંતુ જો તેની સાથે પરિક્રમા પથ જોડવામાં આવે તો સમગ્ર પરિસર ૭૦ એકરનું થાય છે. તે ત્રણ માળનું હશે અને તેની ઊંચાઇ ૧૬૨ ફૂટ હશે. સિંહ દ્વારથી રામ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પૂર્વ દિશામાં એક મુખ્ય દ્વાર હશે, જ્યાંથી શ્રદ્ધાળુઓ પરિસરમાં આવશે. મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર ‘સિંહ દ્વાર’ હશે. રામ મંદિરમાં કુલ ૩૯૨ પિલર હશે. ગર્ભગૃહમાં ૧૬૦ સ્તંભો અને ઉપરના માળે ૧૩૨ સ્તંભો હશે. મંદિરમાં ૧૨ દ્વાર હશે. રામ મંદિર પરિસર બનવામાં ૧૭૦૦ થી ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.

મંદિરના ગર્ભગૃહમાં એક ચબૂતરો બનાવાયો છે. આ ચબૂતરા પર રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ ૫૧ ઇંચની છે. શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કર્યા બાદ પંચદેવોના દર્શન અને પરિક્રમા કરી વિધિવત્ રૂપે પૂજા પૂર્ણ કરી શકશે.

રામ મંદિરમાં કુલ પાંચ ડોમ બનાવવાના છે. જેમાંથી ત્રણ બનીને તૈયાર છે. જ્યારે ચોથાનું નિર્માણ કાર્ય ચાલુ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે રામ મંદિરને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે દરરોજ દોઢ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે તેવી આશા છે. તેથી રામલલાના દર્શન માટે પ્રત્યેક શ્રદ્ધાળુને ૧૫ થી ૨૦ સેક્ધડનો સમય મળશે. એક સાથે ૨૫,૦૦૦ ભક્તો પરિસરમાં રહીને દર્શન કરી શકશે.

નોંધનીય છે કે ૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારથી મંદિર નિર્માણનું કામ શરૂ થયું હતું. ત્રણ વર્ષ બાદ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યું છે.

રામ મંદિરના ગર્ભગૃહમાં માતા સીતાની ગેરહાજરી

અયોધ્યા: અયોધ્યામાં ૭૦ એકર જમીન પર આકાર લઇ રહેલા રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ ભગવાન રામના બાળ રૂપની હશે. મૂર્તિ ભગવાનના ૫ વર્ષના બાળ સ્વરૂપની હોવાથી મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં માતા સીતાની એકેય મૂર્તિ જોવા નહીં મળે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય જણાવે છે કે, મુખ્ય મંદિરની લંબાઇ ૩૬૦ ફૂટ અને પહોળાઇ ૨૩૫ ફૂટ હશે. મંદિરનું શિખર ૧૬૧ ફૂટ ઊંચુ હશે. પરિસરના જે ગર્ભગૃહમાં રામલલા બિરાજશે ત્યાં પહોંચવા માટે ૩૨ પગથિયાં ચઢવાના રહેશે. મુખ્ય મંદિર ઉપરાંત જન્મભૂમિ પરિસરમાં બીજાં ૭ મંદિર બનાવવામાં આવી રહ્યાં છે.

૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ યોજાનાર રામ મંદિર ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ટ્રસ્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રામલલાની બે મૂર્તિઓ છે. બીજી મૂર્તિ જે હાલમાં નાના મંદિરમાં રાખવામાં આવી છે. તેને નવી મૂર્તિ સાથે ગર્ભગૃહમાં જ પવિત્ર કરવાની યોજના છે. નવી મૂર્તિ અચલ મૂર્તિ અને જૂની મૂર્તિ ઉત્સવ મૂર્તિ તરીકે ઓળખાશે. ચંપત રાયના જણાવ્યા મુજબ સૌથી ખાસ વાત એ છે કે જે મૂર્તિ સ્થાપિત કરવાની છે તે એ સ્વરૂપની હશે, જેમાં ભગવાનના લગ્ન થયા નથી. એટલે કે મુખ્ય મંદિરમાં માતા સીતાની મૂર્તિ જોવા નહીં મળે.

રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે. જેમાં મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker