ભગવાન હનુમાન સ્વયં રામલલાના દર્શન કરવા પધાર્યા
નવી દિલ્હી: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરમાં વાનર પ્રવેશ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કર્યા વિના બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી.
મંદિરના ટ્રસ્ટે આ સુંદર ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું કે ભગવાન હનુમાન સ્વયં રામ લલાના દર્શન કરવા આવ્યા હોવાની લાગણી ત્યાં પહેરો ભરી રહેલા સુરક્ષા અધિકારીઓને થઈ હતી.
સોમવારે રામ લલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દક્ષિણ દિશાના દરવાજેથી વાનરે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને રામ લલાની પ્રતિમા પાસે પહોંચ્યો હતો. વાનર રામ લલાની પ્રતિમાને નુકસાન પહોંચાડશે એ ભયથી બહાર પહેરો ભરી રહેલા સુરક્ષા અધિકારીઓ વાનર તરફ દોડી ગયા હતા. જોકે સુરક્ષા અધિકારીઓ વાનર સુધી પહોંચે તે પહેલા જ તે શાંતિથી ઉત્તર દિશા તરફના દરવાજે જતો રહ્યો હતો. જોકે એ દરવાજો બંધ હોવાને કારણે વાનર કોઈ પણ શ્રદ્ધાળુને ઈજા પહોંચાડ્યા વિના પૂર્વ દિશાના દરવાજેથી બહાર જતો રહ્યો હતો.
સ્વયં હનુમાનજી રામ લલાના દર્શન કરવા પધાર્યા હોવાનું સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું.
રામ લલાની જૂની મૂર્તિનો હવે ‘ઉત્સવ પ્રતિમા’ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
હનુમાનજી રામભક્ત હતા. (એજન્સી)