ભાગેડુ નીરવ મોદી સામે લંડન હાઈકોર્ટે કરી કાર્યવાહી, BOIને જંગી રકમ ચૂકવવાનો આપ્યો આદેશ
લંડનઃ ભારતમાંથી લંડન ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટે સજા ફટકારી છે. લંડન હાઈકોર્ટે શુક્રવારે હીરાના વેપારી નીરવ મોદી સામે ચુકાદો આપ્યો હતો. નીરવ મોદી હાલમાં થેમસાઈડ જેલમાં બંધ છે. લંડન હાઈકોર્ટે તેને બેંક ઓફ ઈન્ડિયાને 8 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની ફાયરસ્ટાર ડાયમંડ FZE પાસેથી 8 મિલિયન ડોલરની વસૂલાત માટે લંડન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
લંડન હાઈકોર્ટે શુક્રવારે તેના નિર્ણયના ભાગરૂપે બેંક ઓફ ઈન્ડિયાને દુબઈ સ્થિત કંપની સહિત વિશ્વમાં ક્યાંય પણ નીરવ મોદીની મિલકતો અને સંપત્તિઓની હરાજી કરવાનો અધિકાર આપ્યો છે, જેથી નીરવ મોદી પાસેથી નાણાં વસૂલ થઇ શકે. નીરવ મોદીને જે 8 મિલિયન ડોલર (રૂ. 66 કરોડ) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 4 મિલિયન ડોલરની મુદ્દલ અને 4 મિલિયન ડોલરના વ્યાજનો સમાવેશ થાય છે. કોર્ટમાં BOIનું પ્રતિનિધિત્વ બેરિસ્ટર ટોમ બીસલી અને રોયડ્સ વિથિ કિંગના સોલિસિટર મિલન કાપડિયા કરી રહ્યા હતા. નીરવ મોદી પર કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા, BOIના વકીલ મિલન કાપડિયાએ કહ્યું, “અમે નિર્ણયથી સંતુષ્ટ છીએ અને આગળના પગલાની રાહ જોઈ રહ્યા છીએ.
એક માહિતી અનુસાર, BOI એ નીરવ મોદીની ફાયરસ્ટારને 9 મિલિયન ડોલરની લોન આપી હતી, પરંતુ જ્યારે બેંકે 2018 માં ચુકવણીની માંગ કરી, ત્યારે તે પૈસા ચૂકવવામાં અસમર્થ હતા. ફાયરઆર્મ ડાયમંડ FZE દુબઈમાં સ્થિત હોવાથી, યુકે કોર્ટના ચુકાદાને ત્યાં વધુ સરળતાથી લાગુ કરી શકાય છે.
આ સિવાય નીરવ મોદી ફાયરસ્ટાર એફઝેડઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા અને ગેરેન્ટર પણ હતા. લંડન જેલમાં બંધ નીરવ મોદીએ હજુ સુધી તેના પ્રત્યાર્પણ કેસના કાયદાકીય બીલનું સમાધાન કર્યું નથી, જે તે હારી ગયો હતો. કાયદાકીય ખર્ચમાં 150,000 યુકે પાઉન્ડ કરતાં વધુ ચૂકવવામાં પણ નીરવ મોદી નિષ્ફળ ગયો છે. તેણે મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેની પાસે કોઈ ભંડોળ નથી કારણ કે ભારત સરકારે તેની મિલકતોનો કબજો લઈ લીધો છે. તેણે મેજિસ્ટ્રેટને એમ પણ કહ્યું હતું કે તે મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લઈને કાનૂની ખર્ચ ચૂકવશે.