લોકસભા ચૂંટણીઃ અમેઠી-વાયનાડ અને રાયબરેલીથી કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election-2024)ની તારીખ જાહેર થયા પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ એકસાથે 195 ઉમેદવારની યાદી બહાર પાડી હતી, જ્યારે આજે કોંગ્રેસ પાર્ટીએ બે ઉમેદવાર માટે ત્રણ સીટ નક્કી કરી છે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાની ત્રણ બેઠક માટે બે દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડરાને ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી લોકસભાની ચૂંટણી લડશે, જ્યારે બહેન પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને ટક્કર આપશે, જ્યારે બહેન પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે. રાહુલ ગાંધીએ વર્ષ 2004માં અમેઠીથી કારકિર્દીની શરુઆત કરી ત્યારે ભારે માર્જિનથી જીત મેળવી હતી. આમ છતાં મોદી લહેરને કારણે આ બેઠક પર સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા.
તાજેતરમાં રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા અન્વયે અમેઠીની યાત્રા કરી હતી એ વખતે રાહુલ ગાંધી અમેઠીની સીટ પરથી ચૂંટણી લડી શકે છે એવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી હતી. અમેઠીથી રાહુલ ગાંધીના દિવંગત કાકા સંજય ગાંધી, દિવંગત પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ સાંસદ રહી ચૂક્યા છે.
અગાઉ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને એનડીએ અને યુપીએ બંનેના દસ વર્ષના કામકાજ અંગે ડીબેટ કરવાની ઓપન ચેલેન્જ આપી હતી. એટલું જ નહીં, સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી મેદાન તમે પસંદ કરો, કાર્યકર્તાઓને અમે પસંદ કરીશું.