અમેરિકન સેનેટરનો મોટો દાવો, ગૂગલ અને એપલ પર મૂક્યો આ આરોપ
અમેરિકામાં યુએસ સેનેટર રોન વાયડને ન્યાય વિભાગને પત્ર લખીને જણાવ્યું હતું કે એપલ અને ગૂગલ યુઝર્સની જાસૂસી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર એપલ અને ગૂગલ ફોન યુઝર્સની પુશ નોટિફિકેશન પદ્ધતિ અપનાવીને જાસૂસી કરી રહી છે.
પુશ નોટિફિકેશન એ પોપ-અપ મેસેજ છે. જેમાં તમારી લોક સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે. પુશ નોટિફિકેશનમાં તમને હોમ સ્ક્રીન પર નવા મેસેજની ચેતવણી મળે છે. આ ચેતવણીઓ નવા અપડેટ્સ, બ્રેકિંગ ન્યૂઝ અને એપ અપડેટ્સના રૂપમાં ઉપલબ્ધ છે. ત્યારે વાયડેને આરોપ લગાવ્યો છે કે એપલ અને ગૂગલ ખૂબ જ ગુપ્ત રીતે સરકારને યુઝરની માહિતી આપી રહ્યા છે.
ટેક ક્રંચના રિપોર્ટ પ્રમાણે કોઈ પણ યુઝર્સ કોઇપણ પ્રકારની એપને ઇન્સ્ટોલ અને ડાઉનલોડ કરે છે, ત્યારે એપ તેમના ફોન યુઝર્સને પુશ નોટિફિકેશન ચાલુ રાખવા માટે પૂછે છે. જો તમે પુશ નોટિફિકેશન ચાલુ કરો છો, તો ટેક કંપનીઓ તમારા ફોનમાં કઈ એપ્સ ઇન્સ્ટોલ કરેલી છે તે જાણી શકે છે અને તમારા ફોનની જાસૂસી કરી શકાય છે.
રોન વાયડનનું કહેવું છે કે યુએસ સરકાર એપલ અને ગૂગલ બંને પાસેથી પુશ નોટિફિકેશન દ્વારા મળેલા ડેટા વિશે માહિતી મેળવી રહી છે. જ્યારે એપલના કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં જ તેમની કંપની કેવી રીતે કામ કરી રહી છે અને કેટલી પારદર્શકતા છે તેના વિશે અહેવાલ રજૂ કરશે.