જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાન સભાની ચૂંટણીની તૈયારી શરૂ
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હવે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે મતદાર યાદી અપડેટ કરવાની હાલમાં જાહેરાત કરી છે. મતદાર યાદી 1 જુલાઈ, 2024 સુધીમાં અપડેટ કરવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા બાદ પ્રથમ વાર ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
હરિયાણામાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે, ઝારખંડમાં 26 નવેમ્બરે અને મહારાષ્ટ્રમાં 1 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થઇ રહ્યો છે. વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ચૂંટણી કરાવવી જરૂરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરમાં એક સંબોધનમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે ડિસેમ્બર, 2023માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
ઝારખંડમાં થોડા મહિનાઓ પછી સંભવિત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચેમતદાર યાદી અપડેટ કરવાની શરૂ કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી ઘણા લોકોના નામ ખોટી રીતે હટાવવાની ફરિયાદો મળી હતી, એને ચેક કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે મતદારો પાસે હજુ પણ જૂના લેમિનેટેડ વોટર આઈડી કાર્ડ છે તેમને તેમની જગ્યાએ નવા રંગીન આઈડી આપવામાં આવશે. મતદાર યાદીમાંથી શિફ્ટ, ડુપ્લિકેટ અને મૃત મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે યોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.