નીતીશ કુમારના પીએમ બનવાના સપના થઇ ગયા ચૂર
એમપીમાં મળી કારમી હાર, ડિપોઝીટ પણ જપ્ત થઇ ગઇ
બિહારઃ ઇન્ડિયાગઠબંધનના સૂત્રધાર અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના દેશના વડા પ્રધાન બનવાના મનસુબા પર પાણી ફરી વળ્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં જેડીયુએ કુલ 9 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઇ છે.
બિહારના સીએમ નીતીશ કુમારને તેમની પાર્ટીના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓ દ્વારા પીએમ પદના ઉમેદવાર બનાવવાનું સૂચન કરવામાં આવી રહ્યું હતું. ઘણી બેઠકમાં નીતીશ કુમારને વડાપ્રધાન તરીકે દર્શાવતા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા હતા. જોકે, નીતીશ કુમારની પાર્ટી જનતાદળ યુનાઇટેડના નેતા આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી આ સાફ જોવા મળી રહ્યું છે. અહીં નીતીશ કુમારની પાર્ટીએ કુલ નવ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને બધી બેઠક પરથી તેમણે ડિપોઝીટ ગુમાવી છે. આપરિણામોની સાથે નીતીશ કુમારના રાષ્ટ્રીય નેતા બનવાના અને કેન્દ્રીય રાજકારણમાં મોટા કદના નેતા તરીકે ઊભરવાના સપના રોળાઇ ગયા છે.
નીતીશ કુમારની પાર્ટી જેડીયુએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 10 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી જેડીયુના ઉમેદવારોએ નવ બેઠકો પર પોતાનું નસીબ અજમાવ્યું હતું. JDU માત્ર નારયોલી સીટ પર ઉમેદવાર જાહેર કર્યા પછી ચૂંટણી લડી શક્યું નથી, પરંતુ અત્યાર સુધીના ચૂંટણી વલણો અનુસાર, જેડીયુને તમામ બેઠકો પર ભારે નિરાશા હાથ લાગી છે. જેડીયુ માત્ર થંડલા વિધાનસભા સીટ પર 1000 વોટને પાર કરવામાં સફળ રહી છે. બાકીની 4 સીટો પર જેડીયુનો એક પણ ઉમેદવાર 100 વોટ પણ મેળવી શક્યો નથી.
આ પરિણામ બાદ એમ લાગે છે કે હવે નીતીશ કુમાર હવે પ્રાદેશિક રાજનીતિમાં જ રચ્યા રહે તે જ ઠીક છે.