લોકસભામાંથી વધુ ત્રણ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા
નવી દિલ્હીઃ લોકસભામાંથી વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના સાંસદો નકુલ નાથ, ડીકે સુરેશ અને દીપક બૈજને ગૃહની અવમાનના બદલ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા વધીને 146 થઈ ગઈ છે. તેમાંથી કુલ 100 સાંસદો લોકસભાના છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ વારંવાર ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડી રહ્યા છે, પ્લેકાર્ડ બતાવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને કાગળો ફાડી રહ્યા છે અને લોકસભાના કર્મચારીઓ પર કાગળો ફેંકી રહ્યા છે. તે ગૃહની મર્યાદાની વિરુદ્ધ છે.
સ્પીકરે સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને કહ્યું કે, હું કોઈપણ સભ્યને કારણ વગર સસ્પેન્ડ કરવા માંગતો નથી. તમે લોકો દ્વારા ચૂંટાયેલા છો. તમે લોકો તમારી સીટ પર જાઓ, હું તમને તમારી વાત ઝીરો અવર્સમાં કહેવાની તક આપીશ.
સાંસદોના સસ્પેન્શનની શરૂઆત 14 ડિસેમ્બરે થઈ હતી, જ્યારે વિપક્ષી સાંસદોએ સંસદની સુરક્ષા ભંગના મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. 13 ડિસેમ્બરની બપોરે લોકસભામાં બે યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી ફ્લોર પર કૂદી પડ્યા અને ગેસ કેન દ્વારા ધુમાડો છોડ્યો હતો આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
14 ડિસેમ્બરે 13, 18 ડિસેમ્બરે 33, 19 ડિસેમ્બરે 49 અને 20 ડિસેમ્બરે બે વિપક્ષી સભ્યોને ગૃહની અવમાનના બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, 14 ડિસેમ્બરે રાજ્યસભામાંથી એક અને 45 અને 18 ડિસેમ્બરે 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓએ આજે દિલ્હીના વિજય ચોક ખાતે રેલી કાઢી હતી અને સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ સરકારનું કહેવું છે કે વિપક્ષ સતત ગૃહની મર્યાદા તોડી રહ્યું છે. જોકે આવતીકાલે શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે, પરંતુ તેને આજે જ પૂરું કરવામાં આવે તેમ માનવામાં આવે છે.