નવી દિલ્હીઃ ગુરુવારે શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે થયેલી ધક્કામુક્કીની ઘટના પછી, લોકસાભા સ્પીકર ઓમ બિરલાએ નિર્દેશ આપ્યો હતો કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અને સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં, એવી સૂત્રોએ માહિતી આપી હતી. એવા અહેવાલ છે કે ‘લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સંસદસભ્ય અથવા સભ્યોનું જૂથ સંસદ ભવનના ગેટ પર કોઈ વિરોધ કે પ્રદર્શન નહીં કરે.’
ગૃહ પ્રધાન અમિત શાહની બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લગતી ટિપ્પણીના વિરોધમાં વિપક્ષના સભ્યોએ ગુરુવારે માર્ચ કાઢી હતી. ભાજપના સાંસદોએ કોંગ્રેસ પર બાબાસાહેબનું અપમાન કરવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો.
સંસદભવનના ‘મકર ગેટ’ પાસે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજાની સામે આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો, જેના કારણે તેમના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.
બીજી તરફ, કોંગ્રેસનો દાવો છે કે ભાજપના સાંસદોએ તેમના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અનેક મહિલા સાંસદોને સંસદભવનમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.
કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે ‘ભારતના બંધારણની 75 વર્ષની ભવ્ય યાત્રા’ પર રાજ્યસભામાં બે દિવસીય ચર્ચાનો જવાબ આપતાં અમિત શાહે મંગળવારે તેમના સંબોધન દરમિયાન બાબાસાહેબનું અપમાન કર્યું હતું.
Also read: સંસદનું શિયાળુ સત્ર: ગૃહમાં ભલે ધમાલ કરે પણ બહાર સબ સલામત!
વિપક્ષી દળે અમિત શાહના સંબોધનનો એક વીડિયોના કેટલાક અંશો પણ બહાર પાડ્યા હતા, જેમાં ગૃહ પ્રધાનને વિપક્ષની ઝાટકણી કાઢતા સાંભળી શકાય છે, ‘આ હવે ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર…’ જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત, તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત.’ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે હંમેશા બાબાસાહેબનું અપમાન કર્યું છે અને તેમને ચૂંટણીમાં પણ હરાવ્યા હતા.