શશિ થરૂર, ડિમ્પલ યાદવ, સુપ્રિયા સુલે લોકસભામાંથી સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે પગલા લેવાયા
નવી દિલ્હી: લોકસભામાં સુરક્ષા ભંગની ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાનના નિવેદનની માગ કરી રહેલા વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા આજે પણ યથાવત જોવા મળી હતી. આજે લોકસભા સાંસદ શશિ થરૂર, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેનું નામ પણ સામેલ છે.
આજે વધુ 41 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના સિવાય આઠ રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 141 સાંસદો સામે પગલા લેવાયા છે. ગઇકાલે 92 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, કાર્તિ ચિદંબરમ, શશિ થરૂર, બસપા સાંસદ દાનિશ અલી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિમ્પલ યાદવ અને આમ આદમી પાર્ટી સાંસદ સુશીલકુમાર રિંકુ પણ સસ્પેન્ડ થયા છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વિપક્ષ સંસદમાં બેનરો પ્રતિબંધિત હોવા છતાં લાવીને દેશની જનતાનું અપમાન કરી રહ્યા છે, હાલની ચૂંટણીઓમાં મળેલી હારને પગલે તેઓ હતાશ છે. જો તેમનું આવું વર્તન યથાવત રહેશે તો તેઓ આગામી ચૂંટણી બાદ દેખાશે પણ નહિ તેવું પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું.