નેશનલ

લોકસભા ચૂંટણી: મમતા દીદી અને કોંગ્રેસ કેમ બેઠકોની વહેંચણીમાં અસંમત થયા?

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષોના ગઠબંધનમાં ચહલપહલ વધી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી સીટ વહેંચણી મુદ્દે મક્કમ છે. મમતા બેનરજીનું માનવું છે કે પશ્ચિમ બંગાળ તેનું રાજ્ય છે અને પોતાના રાજ્યમાં ગઠબંધનનું નેતૃત્વ તેણે પોતે જ કરવું જોઇએ. મમતા બેનરજી કહી રહ્યા છે કે ટીએમસીમાં ભાજપ સામે લડવાની તાકાત છે, પરંતુ અમુક લોકો (કોંગ્રેસ) બેઠક વહેંચણીના મુદ્દે વાત સાંભળવા જ તૈયાર નથી.


I.N.D.I.A. ગઠબંધન કહેવા માટે તો 28 વિપક્ષનું ગઠબંધન છે, જ્યારે આ ગઠબંધન રચાયું ત્યારે તેમાં સાથે મળીને લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની વાત પણ થઇ હતી. પરંતુ બેઠકોની વહેચણીના મુદ્દે જ આ ગઠબંધનમાં એક પછી એક એવી તિરાડો પડી રહી છે કે હવે ગઠબંધનની કેટલી ગાંઠો ટકી રહેશે અને ચૂંટણી આવતા સુધીમાં કેટલા પક્ષો જોડાયેલા રહેશે તે એક સવાલ છે.

વાત પશ્ચિમ બંગાળની કરીએ તો ટીએમસી સુપ્રીમો મમતા બેનરજી ગઠબંધનનું નેતૃત્વ કરવા માગે છે, પરંતુ કોંગ્રેસને તે સ્વીકાર્ય નથી. મમતાએ ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને આધારે તેને 2 લોકસભા બેઠકો ઓફર કરી હતી, સ્વાભાવિક છે કે આ જ વાતે કોંગ્રેસ અને ટીએમસી આમનેસામને આવી ગયા છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની 18 બેઠકો જીતી હતી. ટીએમસીએ 22 બેઠકો જીતી હતી, તો કોંગ્રેસે ફક્ત 2 બેઠકો પર જીત મેળવી હતી. એ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ટીએમસીએ પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી હતી. આમ લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવને પગલે તેને આ વખતે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથેનું ગઠબંધન વધારે ફળવાની શક્યતા નથી. બંગાળના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે તેઓ બેઠકો માટે ટીએમસી પાસે ‘ભીખ નહી માંગે.’

છેલ્લે યોજાયેલી I.N.D.I.A. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં પણ મમતા સામેલ થયા નહોતા. તેમણે છડેચોક જાહેરાત પણ કરી દીધી છે કે જો ગઠબંધનમાં તેમને ‘યથાયોગ્ય મહત્વ’ ન મળ્યું તો તેઓ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો પર સ્વતંત્રપણે લડશે. મમતાએ કહ્યું હતું કે, “હું એ વાત પર ભાર મુકું છું કે અમુક બેઠકોને સ્થાનિક પક્ષો માટે છોડી દેવી જોઇએ, કોંગ્રેસ 300 બેઠકો પર એકલા લડી શકે છે અને એમાં હું તેમની મદદ કરીશ, હું એ બેઠકો પર ચૂંટણી નહી લડું. પરંતુ જે રાજ્યમાં તેમનો દબદબો ન હોય તે રાજ્યમાં તેમણે વધુ બેઠકો મેળવવાનો મોહ છોડી દેવો જોઇએ.”

મોરલ ઓફ ધ સ્ટોરી એટલે કે આખી વાતનો સાર એ જ છે કે જે રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો-સાંસદો સાવ ના-બરાબર હોય તેવા રાજ્યોમાં સ્થાનિક પક્ષોની રજૂઆત કોંગ્રેસે સાંભળવી જોઇએ અને તેઓ જે બેઠક વહેચણીની ફોર્મ્યુલા નક્કી કરે તે મુજબ વહેચણી થવી જોઇએ. કોંગ્રેસે સ્થાનિક પક્ષો સાથે એ રીતે અનુકૂલન સાધવું પડે કે જેમાં નિર્ણયો લેવાની સત્તા કોંગ્રેસને બદલે સ્થાનિક પક્ષોને હોય, કોંગ્રેસે સહયોગી પક્ષ તરીકે ભૂમિકા ભજવવી પડે. પશ્ચિમ બંગાળ ઉપરાંત, દિલ્હી, પંજાબ, યુપી, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર આ બધા રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ સ્થાપી ગઠબંધનનો દાવો કરી શકે નહિ.

જોકે, કોંગ્રેસ એ કોંગ્રેસ છે, તે પોતાની શરતો પર જ ગઠબંધન ચાલે તેવું ઇચ્છી રહ્યું છે. કોંગ્રેસની શરતો સ્થાનિક પક્ષો માની લે તો તેમનું રાજકીય ભવિષ્ય ખતમ થઇ જવાનો ભય રહેલો છે. આ બધા પક્ષોમાં જે નેતાઓ વર્ષોથી જોડાયેલા હોય અને પદ મેળવવાની ઇચ્છા ધરાવતા હોય તેમની વોટબેંકને નુકસાન જવાની પણ શક્યતાઓ રહેલી છે, એવા નેતાઓ પછી પક્ષપલટો કરીને અન્યત્ર જોડાઇ જતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button