લોકસભા ચૂંટણીઃ માપમાં રહેજો ઉમેદવારો, ખર્ચાઓ અંગે જાણી લો મહત્ત્વની ગાઈડલાઈન

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી હવે તમામ પાર્ટીના ઉમેદવારો પોતાના મતદારોને રિઝવવા માટે તૈયારીઓ શરુ કરી છે, પરંતુ ચૂંટણી પંચે એ ખર્ચ માટે પણ નિયત માર્ગદર્શિકા જાહેર કરી છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ પર ભારતીય ચૂંટણી પંચની નજર રહેશે.
ચૂંટણીના પ્રચારમાં જેમની પાછળ ખર્ચ કરવામાં આવે છે તેવી તમામ વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવાર જો પોતાના કાર્યકર્તાઓ માટે ચા, પાણી અને નાસ્તા/ખાવાપીવાની વ્યવસ્થા કરે છે તો તેનો હિસાબ ચૂંટણી પંચે નક્કી કરેલા રેટના પ્રમાણે આપવાનો રહેશે. જો કોઈ ઉમેદવાર કોઈને ચા પીવડાવે તો વ્યક્તિદીઠ 20 રૂપિયા, કોફી માટે 30 અને વડાપાવ માટે 25 રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે. આ ઉપરાંત, ઝંડાથી લઈને ખુરશી સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ પંચ તરફથી દરેક બાબતનું ખૂબ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી નિયમો પ્રમાણે જ ચૂંટણી સંપન્ન થાય. પાર્ટિયો તરફથી ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવે છે.
આ ઉપરાંત રેલી, સભા અને લાઉડ સ્પીકર સહિત ઢોલ-નગારાનો ઉપયોગ પણ થાય છે. એટલા માટે જ ચૂંટણી પંચે તમામ વસ્તુની કિંમત નક્કી કરી છે. આ ઉપરાંત, ઉમેદવારો તરફથી રથ પણ ઉપયોગમાં લેવાય છે. ચૂંટણી પંચે રથના ભાડામાં બે કલાકના 15,550 અને ત્રણ કલાકના 22,000 રૂપિયા નક્કી કર્યા છે. આ પ્રમાણે જ ઢોલ અને તાશાના પણ ભાવ આપવામાં આવ્યા છે.
ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારે પોત-પોતાનો ખર્ચ પંચ દ્વારા નક્કી કરાયેલી કિંમત અનુસાર ડાયરીમાં લખવા પડશે. આ વખતે રેલીઓમાં ઉપયોગમાં લેવાતા ઝંડાની કિંમત સાઈઝના આધારે નક્કી કરવામાં આવી છે. કપડાંનો નાનો ઝંડો સાત રૂપિયા, સિલ્ક ઝંડો 40 રૂપિયા, જમ્બો ઝંડો 70 રૂપિયા અને બિગ જંબો ઝંડાની કિંમત 260 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ સાથે ટોપી, મફલર અને માસ્કની પણ કિંમત પંચે નક્કી કરી છે. ઓપન સ્પેસમાં મીટિંગ અથવા તો સ્ટેજ માટે 50 રૂપિયા પ્રતિ સ્કેવરફૂટ ખર્ચ કરવો પડશે. કલર કટઆઉટના 180 પ્રતિ સ્કેવરફૂટ, કાર્યાલયથી લઈ મીટિંગમાં પ્લાસ્ટિકની ખુરશીનો ઉપયોગ થાય છે, માટે તેનું ભાડું પ્રતિદિન 20 રૂપિયા અને ફોલ્ડિંગ ટેબલ અને ઝાલરનું ભાડું 50 રૂપિયા પ્રતિદિન નક્કી કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી અનુસાર જ ખર્ચ કરવાનો રહેશે, જ્યારે સૂચિત ગાઈડલાઈનની બહાર ખર્ચ કરી શકશે નહીં, એમ ચૂંટણી પંચે અહેવાલમાં જણાવ્યું હતું.