નેશનલ

લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કામાં 6 રાજ્ય અને બે UTની 49 બેઠકો પર મતદાન પૂર્ણ, કુલ 57.80% મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે સોમવારે મતદાન સમાપ્ત થયું છે. આ તબક્કામાં 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, રાત્રે 8.25 વાગ્યે વોટર ટર્નઆઉટ એપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 57.80% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 73.06% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 49.64% હતું. બિહારમાં 52.82%, જમ્મુ અને કાશ્મીરમાં 54.64%, ઝારખંડમાં 63%, લદ્દાખમાં 67%, ઓરિસ્સામાં 60.72% અને ઉત્તર પ્રદેશમાં 57.79% મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં જમ્મુ-કાશ્મીરની બારામુલા સીટ પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ તબક્કામાં મતદાનના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી પીકે પોલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી વધુ 59 ટકા મતદાન બારામુલ્લા લોકસભા મતવિસ્તારમાં નોંધાયું છે.

આ સિવાય ઓડિશા વિધાનસભાની બીજા તબક્કાની 35 બેઠકો પર 61.25%, ઝારખંડની ગાંડેય વિધાનસભા બેઠક પર 68.26% અને લખનૌ પૂર્વ બેઠક પર 52.25% મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશના મહોબામાં ફરજ પરના એક CRPF જવાનનું મોત થયું હતું. પશ્ચિમ બંગાળના બેરકપુર અને હુગલીમાં ભાજપના ઉમેદવારો અને ટીએમસી સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે.

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ બે પ્રિસાઇડિંગ ઓફિસરો વિરુદ્ધ ફરિયાદ પર કાર્યવાહી કરી છે.

મુંબઈમાં પોલિંગ બૂથ પાસે ડમી EVM રાખવા બદલ પોલીસે શિવસેના (UBT)ના ત્રણ કાર્યકરોની અટકાયત કરી છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત ગુલઝાર, સુભાષ ઘાઈ, અક્ષય કુમાર, નાના પાટેકર, અનિલ કપૂર, મનોજ બાજપેયી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને અનિલ અંબાણીએ મુંબઈમાં મતદાન કર્યું હતું.

આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બસપા સુપ્રીમો માયાવતી, સતીશ ચંદ્ર મિશ્રાએ લખનૌમાં મતદાન કર્યું, રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલીમાં મતદાન કર્યું હતું.

ચોથા તબક્કા સુધી 543 લોકસભા સીટોમાંથી 380 સીટો પર મતદાન થયું હતું. આજની બેઠકો સહિત કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થવાનું બાકી છે.

જે VVIP ઉમેદવારોના નામની બેઠકો પર મતદાન થયું તેમાં સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રોહિણી આચાર્ય, રાજનાથ સિંહ, બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણ સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ, એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે.

આ સાથે જ અમેઠી, રાયબરેલી, લખનૌ, કૈસરગંજ, ફતેહપુર, મુંબઈ ઉત્તર, કલ્યાણ, સારણ, હાજીપુર અને બારામુલ્લાની સીટને હોટ સીટ માનવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button