ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા ચૂંટણી 2024: 44 ટકા વર્તમાન સાંસદો સામે ફોજદારી ગુના છે, 5 ટકા અબજપતિ

લોકસભાના 514 વિદાય થઈ રહેલા સાંસદોમાંથી 225 સાંસદો એવા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 9 સામે હત્યાના અને ત્રણ સામે બળાત્કારના કેસ છે.

નવી દિલ્હી: દેશમાં લોકશાહી પદ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાના સુધાર માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક રિપોર્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ લોકસભાના 514 વર્તમાન સાંસદોમાંથી 225 એટલે કે 44 ટકાએ તેમના ચૂંટણી એફિડેવિટમાં પોતાની વિરુદ્ધ ફોજદારી ગુના નોંધવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું છે. આટલું જ નહીં, એડીઆરના રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે આ સાંસદોના સોગંદનામાનું વિશ્ર્લેષણ કર્યા પછી જાણવા મળ્યું છે કે 5 ટકા સાંસદ અબજપતિ છે, જેમની સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે.

29 ટકા સામે ગંભીર ફોજદારી ગુના
એડીઆરના અહેવાલ મુજબ 29 ટકા નિવૃત્ત થઈ રહેલા સાંસદો વિરૂદ્ધ ફોજદારી ગુના નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, સાંપ્રદાયિક અસંતોષને પ્રોત્સાહન આપવું, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધોના આરોપો સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદાય લઈ રહેલા સાંસદોમાંથી તેમની સામે ગંભીર ગુના ધરાવતા 9 સામે હત્યાના ગુના નોંધાયેલ છે અને આમાંથી 5 સાંસદો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના છે.

અહેવાલમાં એમ પમ કહેવામાં આવ્યું છે કે 28 સાંસદોએ તેમના ચૂંટણી સોગંદનામામાં જાહેર કર્યું છે કે તેમની વિરુદ્ધ હત્યાના પ્રયાસ સંબંધિત ગુના નોંધવામાં આવ્યા છે. આમાંથી 21 સાંસદો ભાજપના છે. એડીઆરના એ જ અહેવાલમાં જણાવાયું છે કે 16 સાંસદો મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે, જેમાંના ત્રણ બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યા છે.

ભાજપ-કોંગ્રેસના મોટાભાગના સાંસદો અબજપતિ
અહેવાલમાં આ સાંસદોની આર્થિક સ્થિતિનું પણ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સૌથી વધુ સાંસદો છે જેઓ અબજોપતિ છે, જો કે અન્ય પક્ષોમાં પણ આવા સાંસદોની નોંધપાત્ર સંખ્યા છે.

રાજ્યવાર ફોજદારી ગુનાની સંખ્યામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને હિમાચલ પ્રદેશના 50 ટકાથી વધુ સાંસદો પર ફોજદારી ગુના નોંધાયેલા છે. ઉપરાંત, કેટલાક સાંસદો પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે, જ્યારે અન્યો પાસે ઘણી ઓછી સંપત્તિ છે. એડીઆરના અહેવાલ મુજબ, ટોચના ત્રણ સાંસદો જેમણે મહત્તમ સંપત્તિ જાહેર કરી છે તેમાં નકુલ નાથ (કોંગ્રેસ), ડીકે સુરેશ (કોંગ્રેસ) અને કે. રઘુરામ કૃષ્ણ રાજુ (અપક્ષ) જેની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે.

માત્ર 15 ટકા મહિલા સાંસદો
રિપોર્ટમાં સાંસદોની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને ઉંમર વિશે પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, 73 ટકા સાંસદો સ્નાતક છે અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જ્યારે આઉટગોઇંગ સાંસદોમાં માત્ર 15 ટકા મહિલાઓ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button