નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ હવે JDUનો નંબર, 16 ઉમેદવારના નામની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે બિહારની દિગ્ગજ પાર્ટી જનતાદળ યુનાઈટેડ (જેડીયુ)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની એનડીએ સાથે ગઠબંધન કર્યું હતું. નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઈટેડે પણ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવવા માટે આજે હોળીના દિવસે પોતાના 16 ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. એનડીએ સાથેના ગઠબંધનમાં જેડીયુ લોકસભાની ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણી માટે બિહારમાં એનડીએની સીટ વહેંચણી થઈ છે. જેડીયુએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને 16 સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. જેડીયુએ ભાગલપુરથી અજય કુમાર મંડલ, બાંકાથી ગિરધારી યાદવ (યાદવ જાતિ), ગોપાલગંજથી ડો. આલોક કુમાર સુમન, જહાનાબાદથી ચંદ્રશ્વર ચંદ્રવંશી, ઝંઝારપુરથી રામપ્રીત મંડલને ટિકિટ આપી છે.


આ ઉપરાંત, કટિહારથી દુલાલચંદ ગોસ્વામી, મેધપુરાથી દિનેશચંદ્ર યાદવ, મુંગેરથી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, નાલંદાથી કૌશલેન્દ્ર કુમાર, પૂર્ણિયાથી સંતોષ કુશવાહા, સુપૌલથી દિલેશ્વર કામત, જ્યારે વાલ્મિકીનગરથી સુનીલકુમાર (કુશવાહા)ને ટિકિટ આપી છે.

જનતા દળ યુનાઈડેડે ચાર નવા ઉમેદવારને ટિકિટ આપી છે. પાર્ટીએ શિવહરથી લવલી આનંદ, સીતામઢીથી દેવેશ ચંદ્ર ઠાકુર, સિવાનથી રાજલક્ષ્મી કુશવાહા અને કિશનગંજથી માસ્ટર મુજાહિદ પર સૌથી મોટું જોખમ લીધું છે.

આ ઉપરાંત, જનતા દળ યુનાઈટેડે પાંચ જણની ટિકિટ કાપી છે. કારાકાટથી મહાબલી સિંહની ટિકિટ કાપી છે, કારણ કે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી ગઈ છે, જ્યારે ગયાથી માંઝીની ટિકિટ કાપી છે, કારણ આ બેઠક જીતન રામ માંઝીની પાર્ટી હિંદુસ્તાની આવામ મોરચાને મળી છે. સીતામઢીથી પાર્ટીએ સુનિલ કુમાર પિંટુની ટિકિટ કાપીને તેમની જગ્યાએ દેવેશચંદ્ર ઠાકુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સિવાનથી પાર્ટીએ કવિતા સિંહની ટિકિટ કાપીને રાજલક્ષ્મી કુશવાહાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે જનતા દળ યુનાઈટેડે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારની ટિકિટ આપી છે, જ્યારે ત્રણ ટિકિટ ઉચ્ચ વર્ગના ઉમેદવારને આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button