લોકસભાની ચૂંટણી ૧૯મી એપ્રિલથી
નવી દિલ્હી: લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા-૨૦૨૪ની ચૂંટણીની જાહેરાત આખરે શનિવારે બપોરે કરી દેવામાં આવી હતી. ૧૯ એપ્રિલથી લઈને પહેલી જૂન ૨૦૨૪ વચ્ચે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ચોથી જૂને પરિણામો જાહેર કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી કમિશનર સુખવિંદરસિંહ સંધુની હાજરીમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી આયોજિત કરવા માટે ચૂંટણી પંચ તૈયાર છે. વર્તમાન સરકારનો કાર્યકાળ ૧૬ જૂને પૂરો થાય છે. તે પહેલાં ચૂંટણી કરાવી લેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે દેશમાં ૯૭ કરોડ મતદારો છે, જેમાં ૮૨ લાખ મતદારો ૮૫ વર્ષથી મોટા છે અને તેમને ઘરેથી મતદાન કરવાની પરવાનગી મળી શકે છે. દેશમાં ૪૮,૦૦૦ ટ્રાન્સજેન્ડર મતદારો છે.
તેમણે આપેલી માહિતી મુજબ ૧૯ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું પહેલું મતદાન થશે અને મતગણતરી ચોથી જૂને થશે. પહેલા ચરણમાં ૨૧ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને કુલ ૧૦૨ બેઠકો પર મતદાન કરવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન ૨૬ એપ્રિલે થશે. તેમાં ૧૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને ૮૯ બેઠકો પર મતદાન થશે. સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે જેમાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને કુલ ૯૪ બેઠકો પર મતદાન કરવામાં આવશે. ૧૩ મેના રોજ ચોથા તબક્કાનું મતદાન ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર થશે. ૨૦ મેના રોજ પાંચમા ચરણમાં ૮ રાજ્યોની ૪૯ બેઠકો પર મતદાન થશે. ૨૫ મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન સાત રાજ્યોની ૫૭ લોકસભા બેઠકો પર થશે. સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને આઠ રાજ્યોની ૫૭ બેઠક પર થશે.
ક્યા રાજ્યમાં કેટલા તબક્કામાં મતદાન?
૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં મતદાન કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, દમણ અને દીવ, દિલ્હી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, લક્ષદ્વીપ, લદ્દાખ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, તામિલનાડુ, પંજાબ, તેલંગણા, ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે. છત્તીસગઢ અને આસામમાં ત્રણ-ત્રણ તબક્કામાં મતદાન થશે. ઓરિસા, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં ચાર-ચાર તબક્કામાં મતદાન કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં પાંચ-પાંચ તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં સાત સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે.
ક્યા રાજ્યમાં ક્યારે મતદાન?
આંધ્ર પ્રદેશની ૨૫ લોકસભા બેઠકો માટે ચોથા તબક્કામાં ૧૩ મેના રોજ મતદાન થશે. અરુણાચલ પ્રદેશની બે સીટો પર ૧૯ એપ્રિલે પહેલા જ તબક્કામાં મતદાન થશે. આસામની ૧૪ બેઠકો પર ૧૯ એપ્રિલે પાંચ, સાતમી મેના રોજ ચાર બેઠકો પર મતદાન થશે.
બિહારની ૪૦ બેઠક પર ૧૯ એપ્રિલે ચાર, ૨૬ એપ્રિલે પાંચ, સાત મેના રોજ પાંચ, ૧૩ મેના રોજ પાંચ, ૨૦ મેના રોજ પાંચ, ૨૫ મેના રોજ ૮ અને એક જૂને ૮ સીટો પર મતદાન થશે.
છત્તીસગઢની ૧૧ સીટો પર ૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને સાતમી મેના રોજ મતદાન થશે.
ગોવાની બે બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થશે.
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે એક જ તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે.
મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં મતદાન: મુંબઈમાં ૨૦ મેના રોજ
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાથી મતદાન ચાલુ થશે અને પાંચ તબક્કામાં મતદાન થશે. મહારાષ્ટ્રમાં ૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ, સાતમી મે, ૧૩મી મે, ૨૦મી મેના રોજ મતદાન થશે.
પહેલા તબક્કામાં રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર અને ચંદ્રપુરમાં મતદાન થશે.
બીજા તબક્કામાં વર્ધા, યવતમાળ, હિંગોલી, નાંદેડ, પરભણી, આકોલા, અમરાવતી, બુલઢાણા મતદારસંઘમાં મતદાન થશે.
ત્રીજા તબક્કામાં ૧૧ મતદારસંઘ રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરિ-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાથકણંગલે મતદારસંઘમાં મતદાન થશે.
ચોથા તબક્કામાં નંદુરબાર, જળગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવળ, પુણે, શિરુર, અહમદનગર, શિર્ડી અને બીડમાં ૧૩ મેના રોજ મતદાન થશે.
પાંચમા અને છેલ્લા તબક્કામાં ૨૦ મેના રોજ ધુળે, દિંડોરી, નાશિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, ઉત્તર મુંબઈ, દક્ષિણ મુંબઈ, મુંબઈ ઉત્તર-પશ્ર્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય એમ ૧૩ મતદારસંઘમાં મતદાન કરવામાં આવશે.
ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ મતદાન
અમદાવાદ: કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભાની ચૂંટણી ૨૦૨૪ની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો પર ૭મી મેના રોજ ચૂંટણી યોજાશે અને ૪થી જૂનના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો પર ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહ્યું છે ત્યારે કૉંગ્રેસે રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરતા કૉંગ્રેસ પાર્ટીએ ૨૪ અને આપ એે બે બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ચૂંટણી પંચની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૨મી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૯મી એપ્રિલ છે. ૨૦મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૨મી એપ્રિલ છે. ૭મી મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૪થી જૂનના રોજ મત ગણતરી કરવામાં આવશે.