લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર
રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમ રાજ્યના ઉમેદવારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ યાદીમાં મહારાષ્ટ્રના એકેય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી ફરી એક વખત વાયનાડથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી તેઓ 2019માં વિજયી થયા હતા. કૉંગ્રેસના પીઢ નેતા શશી થરૂર થિરુવનંતપુરમથી લડશે. જાહેર કરવામાં આવેલા 36 ઉમેદવારોમાં 15 ઉમેદવાર ફક્ત કેરળના જ છે. આ ઉપરાંત કર્ણાટક અને છત્તીસગઢના છ-છ, તેલંગણાના ચાર, મેઘાલયના બે અને નાગાલેન્ડ તેમ જ સિક્કિમના એક-એક ઉમેદવારનો સમાવેશ છે.
ઉમેદવારોની યાદી જાહેર કરતાં એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે આ યાદીમાં 15 ઉમેદવાર જનરલ કેટેગરીના છે, જ્યારે 24 ઉમેદવાર એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે.
તેલંગણાના ચાર ઉમેદવારમાં એક મહિલા પટનમ સુનિતા મહેન્દર રેડ્ડીનો સમાવેશ થાય છે, તેઓ ચેલવા લોકસભા મતદારસંઘમાંથી લડશે. તેઓ બીઆરએસના ભૂતપૂર્વ પ્રધાન પટનમ મહેન્દર રેડ્ડીના પત્ની છે. તેઓ ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય કોંડા વિશ્વેશ્વર રેડ્ડીની સામે લડશે.
કૉંગ્રેસના પીઢ નેતા કે. જના રેડ્ડીના પુત્ર કે. રઘુવીર રેડ્ડીને નાલગોંડાથી ઉમેદવારી આપવામાં આવી છે. આ પરિવારમાં આ બીજી ઉમેદવારી આપવામાં આવી છે. જના રેડ્ડીના બીજા પુત્ર કે. જયવીર રેડ્ડી 2023ની વિધાનસભા ચૂંટણીમાં નાગાર્જુના સાગર વિધાનસભા મતદારસંઘમાંથી ચૂંટાઈ આવ્યા છે.
ભૂતપૂર્વ પ્રધાન પોરિકા બલરામ નાઈક મહબુબાબાદ (એસટી અનામત) બેઠક પરથી, સુરેશ કુમાર શેતકર ઝાહિરાબાદથી અને એઆઈસીસીના સેક્રેટરી ચ. વામશી ચંદ રેડ્ડીના મહેબુબાનગર મતદારસંઘથી એમ ત્રણ જણાના નામ હોલ્ડમાં રાખવામાં આવ્યા છે. (પીટીઆઈ)