લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃતિઓ માટે પંચને ૭૩,૦૦૦થી વધુ અરજી મળી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તેના સુવિધા પોર્ટલને લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ પ્રચાર પ્રવૃતિઓ માટે પરવાનગી માંગતી ૭૩,૦૦૦થી વધુ અરજીઓ મળી હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પક્ષો અને ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓમાં રેલીનું મેદાન બુક કરવા, પક્ષની અસ્થાયી કચેરીઓ ખોલવા અને વીડિયો પબ્લિસિટી વાન ચલાવવા માટેની વિનંતીઓનો સમાવેશ થાય છે. પક્ષો અને ઉમેદવારો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરતા ફર્સ્ટ ઇન-ફર્સ્ટ આઉટ સિદ્ધાંત સાથે ૪૪,૬૦૦થી વધુ વિનંતીઓ મંજૂર કરવામાં આવી છે.
કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે પ્રાપ્ત થયેલી કુલ અરજીઓમાંથી લગભગ ૧૧,૨૦૦ અથવા ૧૫ ટકા અરજીઓ નકારી કાઢવામાં આવી હતી અને ૧૦,૮૧૯ અરજીઓ રદ્દ કરવામાં આવી હતી. કારણ કે તે અમાન્ય અથવા ડુપ્લિકેટ હતી.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ વરુણ ગાંધી અન્ય પાર્ટીમાં જોડાવવા અંગે મેનકા ગાંધીએ આપ્યું આ નિવેદન
સૌથી વધુ અરજીઓ તામિલનાડુ (૨૩,૨૩૯)માંથી પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ (૧૧,૯૭૬) અને મધ્ય પ્રદેશ (૧૦,૬૩૬)નો ક્રમ આવે છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સૌથી ઓછી અરજીઓ ચંદીગઢ (૧૭), લક્ષદ્વીપ (૧૮) અને મણિપુર (૨૦)માંથી પ્રાપ્ત થઇ છે.
સુવિધા પોર્ટલે ઉમેદવારો અને પક્ષો દ્વારા પરવાનગીઓ અને સુવિધાઓ મેળવવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી છે એમ તેણે જણાવ્યું હતું. તે રેલીઓનું આયોજન કરવા, સ્થળ બુક કરવા, પક્ષની અસ્થાયી કચેરીઓ ખોલવા, ડોર-ટુ-ડોર પ્રચાર, વિડિયો વાન, હેલિકોપ્ટર અને હેલિપેડનો ઉપયોગ, વાહન પરમિટ મેળવવા અને પેમ્ફલેટનું વિતરણ કરવા માટેની પરવાનગીઓ પૂરી પાડે છે. નોંધનીય છે કે સાત તબક્કાની ચૂંટણી ૧૬ માર્ચે જાહેર કરવામાં આવી હતી અને ૧૯ એપ્રિલથી મતદાન શરૂ થશે. છેલ્લો તબક્કો ૧ જૂને છે.