દેશભરમાં ભારે સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ, રાજકીય પક્ષોમાં ઉત્સાહ અને ઉચાટ
LIVE Lok Sabha Election 2024 Result:
નવી દિલ્હીઃ દેશભરમાં મત ગણતરી શરૂ થઈ ગઈ છે. જોકે હજુ બેઠકોના પરિણામ આવતા થોડો સમય લાગશે, પરંતુ ભારે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ રાજકીય પક્ષોએ મત ગણતરી સમયે સતર્ક રહેવાની સૂચના પોતાના કાર્યકરોને આપી છે ત્યારે એકલા પશ્ચિમ બંગાળમાં જ 40,000 કરતા વધારે પોલીસ જવાનનો બંદોબસ્ત હોવાની માહિતી મળી છે.
19 એપ્રિલથી 1લી જૂન સુધી સાત તબક્કામાં પૂરી થયેલી 18મી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે તમામ ઉમેદવારોમાં ઉત્સાહ સાથે ઉચાટ પણ છે. એક્ઝિટ પોલ્સના પરિણામોએ એનડીએને સ્પષ્ટ બહુમતી આપી હોવા છતા ઈન્ડિયા ગઠબંધન પણ પોતાની સ્થિતિ મજબૂત હોવાનો દાવો કરી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ મત ગણતરીમાં કોઈ ગરબડ ન થાય અને સતત ધ્યાન રહે તે માટે કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે. અમુક ગણતરી કેન્દ્રો પર માહોલ બગડી શકે તેવી શક્યતાને ધ્યાનમાં લઈ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તો બીજી બાજુ તમામ પક્ષોના કાર્યાલયોમાં નેતાઓ-કાર્યકર્તાઓ પરિણામો પર નજર માંડીને બેઠા છે. દરેક પક્ષે પોતાની જીતની ઉજવણીની તૈયારી કરી લીધી છે. હાલમાં માત્ર ટ્રેન્ડ જાણવા મળી રહ્યો છે, ચિત્ર સ્પષ્ટ થતાં મોડી સાંજ થવાની શક્યતા છે.
દરમિયાન ગુજરાતમાં રાજકોટમાં થયેલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભાજપે જીતની ઉજવણી આજે ન કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં એક સુરતની એક બેઠક પર ભાજપ બિનહરિફ ચૂંટાઈ આવ્યું છે અને 25 બેઠક પરની ગણતરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પણ ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તને ધ્યાનમાં લઈ દેશમાં ટ્રાફિકના રૂટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 543 લોકસભા બેઠકોના પરિણામ જાહેર થવાના છે. સરકાર બનાવવા માટે 272 બેઠક પર વિજયની જરૂર છે.