લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ ચૂંટણી જંગમાં સફળતા મેળવવા ભાજપની કઈ ફોર્મ્યુલા અપનાવી?
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા હેઠળ આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ વિવિધ પેંતરા લગાવી રહી છે અને હવે કૉંગ્રેસ ભાજપના રસ્તે ચાલીને પોતાની સફળતાની ટકાવારી વધારવાના પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ વખતે 400ની પારનો નારો આપી રહી છે. પાર્ટીનો ટાર્ગેટ છે કે તે આ ચૂંટણીમાં પોતાના દમ પર 370થી વધુ સીટો જીતશે, જ્યારે એનડીએ ગઠબંધન માટે 400 સીટોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપ વિવિધ રણનીતિઓ પર કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો: સંજય રાઉતે ભાજપના આ મહિલા ઉમેદવારના ‘ડાન્સર’ અને ‘બબલી’ કહ્યા…
આ ચૂંટણીમાં ભાજપની સૌથી મહત્વની રણનીતિ જૂના ઉમેદવારોની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવાની છે. આ જ કારણ છે કે પ્રથમ તબક્કાની 102 બેઠકોમાંથી પાર્ટીએ 2019માં 40 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપે 40 વિજેતા સાંસદોમાંથી 50 ટકાની ટિકિટો રદ કરી છે. મતલબ કે આ વખતે ભાજપે 20 બેઠકો પર નવા ચહેરાઓને તક આપી છે.
આ વખતે અન્ય કેટલીક પાર્ટીઓએ પણ ભાજપની આ જ રણનીતિ અપનાવી છે. આ વખતે પ્રથમ તબક્કામાં 102 બેઠકોમાંથી કોંગ્રેસે 2019 માં 15 બેઠકો જીતી હતી. આ વખતે કોંગ્રેસે તેના 15માંથી 47 ટકા સાંસદોની ટિકિટ કાપી છે.
એ જ રીતે પ્રથમ તબક્કા હેઠળ આજે જે 102 બેઠકો માટે મતદાન થયું હતું, તેમાં ડીએમકેએ 2019માં 24 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે ડીએમકેએ તેના 24 સાંસદોમાંથી 54 ટકાની ટિકિટ કાપી નાખી છે.
એવું માનવામાં આવે છે કે આ પક્ષોએ ભાજપની એ જ વ્યૂહરચના અનુસાર તેમના વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે, જે હેઠળ તે પહેલા જનતાના મૂડને સમજે છે અને પછી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. જેથી જનતા નવા ચહેરા પર વિશ્વાસ બતાવી શકે.
તમને જણાવી દઈએ કે એવું પહેલીવાર નથી કે જ્યારે ભાજપે વર્તમાન સાંસદોની ટિકિટ રદ્દ કરવાનો નિર્ણય લીધો હોય. ભાજપ શરૂઆતથી જ ચૂંટણી પહેલા મોટા નિર્ણયો લેવા માટે જાણીતું છે. જનતાનો મૂડ સમજવા માટે પાર્ટી સમયાંતરે આંતરિક સર્વે કરાવતી રહે છે. અને આ સર્વે મુજબ તે નક્કી કરે છે કે તે આગામી ચૂંટણીમાં કઈ વ્યૂહરચના સાથે ઉતરશે. અને ખાસ વાત એ છે કે ભાજપ આ વ્યૂહરચનાથી છેલ્લી ઘણી ચૂંટણીઓમાં સફળ રહ્યું છે. આ જ કારણ છે કે હવે ભાજપની આ રણનીતિ અપનાવવામાં અન્ય પાર્ટીઓ પણ આગળ જોવા મળી રહી છે.