લોકસભાની ચૂંટણી 2024: મોદી બ્રાન્ડ વટાવી ખાવા માટે વસ્તુઓનું વ્યાપારીકરણ
ટી-શર્ટ, મગ, કેપ, બેજ, સ્ટેશનરી, સ્ટિકર, ફ્રિજ મેગ્નેટ જેવી વસ્તુઓ ધ મોદી મર્ચન્ડાઈઝના નામે નમો એપ પર ઉપલબ્ધ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી શરૂ થવાને હવે માંડ એક મહિનાનો સમય બચ્યો છે અને આ ચૂંટણીમાં સ્વાભાવિક રીતે જ મોદી બ્રાન્ડ સૌથી લોકપ્રિય છે. આ બ્રાન્ડને વટાવી ખાવા માટે બીજેપી દ્વારા સત્તાવાર રીતે ધ નમો મર્ચન્ડાઈઝ લોન્ચ કરી નાખ્યું છે. આ ઝુંબેશ હેઠળ અનેક એવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા છે જેના પર મોદી સરકારના સમર્થનના સૂત્રો લખવામાં આવ્યા છે. આ સામાન નમો એપ પર અને નરેન્દ્ર મોદી એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
બીજેપીના ‘ધ નમો મર્ચન્ડાઈઝ ઝુંબેશ હેઠલ ટી-શર્ટ, કોપી મગ, ટોપી જેવી વસ્તુઓ બજારમાં વેચાણ માટે મુકવામાં આવી છે. નોંધનીય છે કે આ બધા ઉત્પાદનો પર ‘અબકી બાર, 400 પાર’ અને ‘ફિર એક બાર મોદી સરકાર’, ‘મોદી કી ગેરેન્ટી’ અને સૌથી જૂનું અને લોકપ્રિય ‘મોદી હૈ, તો મુમકિન હૈ’ જેવા સૂત્રો લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો
લોકસભાની ચૂંટણી 2024: બીજેપીનું મિશન દક્ષિણ ભારત
અહીં ઉલ્લેખનીય છે કે બીજેપીની ઝુંબેશમાં છેલ્લા એક દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂરા કરવામાં આવેલાા વાયદાઓનો ટ્રેક રેકોર્ડ અને પાર્ટી તેમ જ તેમના સમર્થકો પરના વિશ્ર્વાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. મર્ચેન્ડાઈઝમાં એક મુખ્ય વિષય ‘મોદી કા પરિવાર’ બનાવવામાં આવ્યો છે. અત્યારે સોશ્યલ મીડિયા પર આ રૂઢિપ્રયોગ અત્યંત લોકપ્રિય હોવાનું કહેવાય છે. લોકો અત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો પરિવાર માનવા લાગ્યા છે.
બીજેપી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સામગ્રીમાં ટી-શર્ટ, મગ, કેપ, બેજ, સ્ટેશનરી, સ્ટિકર, ફ્રિજ મેગ્નેટ જેવી અનેકાનેક વસ્તુઓ સામેલ છે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી તેની સાથે જ બીજેપીએ પોતાનો પ્રચાર ધુંઆધાર રીતે શરૂ કરી દીધો છે. ભાજપે પોતાના માટે 370 અને એનડીએ માટે 400 બેઠકનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને સાધ્ય કરવા માટે વડા પ્રધાન 120 કલાક દક્ષિણ ભારતમાં ઝંઝાવાતી પ્રચાર કરી આવ્યા છે અને હવે બીજેપીએ આખા દેશને મોદીમય બનાવવા માટે વ્યાપારી માલનો નવો પેંતરો અપનાવ્યો છે.