લોકસભાની ચૂંટણી 2024: બીએસપી ચીફ માયાવતીને મોટો ફટકો
સંસદસભ્ય બીજેપીમાં જોડાઈ શકે, વડા પ્રધાનની મુલાકાત લઈ ચૂકી હોવાથી અટકળો વહેતી થઈ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાયું તેની સાથે જ બહુજન સમાજ પક્ષ (બીએસપી)ની સુપ્રીમો માયાવતીને મોટો ફટકો પડી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બીએસપીની સંસદસભ્ય સંગીતા આઝાદ બીજેપીમાં જોડાઈ જાય એવી શક્યતા છે. સંગીતા આઝાદ એકથી વધુ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ ચૂકી હોવાથી આવી અટકળો વહેતી થઈ રહી છે.
આ પણ વાંચો
બીએસપી યુપીની તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે, માયાવતીએ ગઢબંધનનો કર્યા ઈન્કાર
બીજી તરફ સંગીતા આઝાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની મુલાકાત માટે એવું કહ્યું હતું કે પોતાના મતદારક્ષેત્રમાં વંદેભારત ટ્રેન ચાલુ કરાવવાની માગણી કરવા માટે તેઓ મળ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશની લાલગંજ બેઠક પરથી સંસદસભ્ય છે. તેમણે ગયા વખતે બીજેપીનાં નીલમ સોનકરને હરાવ્યા હતા. તેમના સસરા ગાંધી આઝાદ બીએસપીના સ્થાપક સભ્યોમાંથી એક છે. તેઓ રાજ્યસભાના સાંસદ છે. સંગીતા આઝાદના પરિવારનો પુર્વાંચલમાં ઘણો દબદબો જોવા મળે છે અને દલિતોના નેતા મનાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે બીએસપીના સંસદસભ્ય રિતેશ પાંડે માયાવતીનો સાથ છોડીને બીજેપીમાં જોડાઈ ગયા હતા. આવી જ રીતે ગાઝીપુરના બીએસપીના સંસદસભ્ય અફઝલ અન્સારી પણ માયાવતીનો સાથ છોડીને અખિલેશ યાદવની પાર્ટીમાંથી ગાઝીપુરથી લડી રહ્યા છે. બીએસપીએ પોતાના અન્ય એક સંસદસભ્ય દાનિશ અલીની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી. આમ લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીના નેતાઓ તૂટી રહ્યા છે તે માયાવતી માટે ફટકા સમાન માનવામાં આવી રહ્યું છે.