લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપનો મેગા પ્લાન…

નવી દિલ્હી: 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવા આખું વિપક્ષ સંગઠન એક થયું છે. જો કે એ બાબત અલગ છે કે હજુ સુધી સંગઠનને વડા પ્રધાન તરીકે ક્યો ચહેરો જનતા સમક્ષ મૂકવો તે ખબર નથી. અને INDIA સંગઠનમાં પણ દરેક પક્ષ પોટ પોતાના નેતાને વડા પ્રધાન તરીકે બતાવી રહ્યા છે. ત્યારે ભાજપ પણ 2024ની ચૂંટણીઓ માટે પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. જે અંતર્ગત ઉત્તર પ્રદેશમાં વધુમાં વધુ બેઠકો જીતવાના લક્ષ્ય માટે આજે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા.
દિલ્હીમાં આજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં આદિત્યનાથની સાથે ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને પણ બેઠકમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની આ બેઠક ખૂબ જ ખાસ છે કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં જે બેઠકો પર પાર્ટી હારી ગઈ હતી કે પછી જે બેઠકો પર કટોકટીની ટક્કર હતી તે તમામ બેઠકો માટે આજે રણનીતિ બનાવવામાં આવશે.
આ ઉપરાંત ભાજપ સાથી પક્ષોની ભાગીદારી અંગે પણ મહત્વની ચર્ચા કરશે. યુપીમાં નિષાદ પાર્ટી, સુભાસપ અને અપના દળ (એસ) ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ભાગ છે. આ ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે. તેથી આ સાથી પક્ષોની બેઠકો પર પણ મહત્વની ચર્ચા થવાની શક્યતા છે.
દિલ્હીમાં યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિની સાથે રાજ્યમાં પ્રધાન મંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા થશે. રાજ્યના અલગ-અલગ વિભાગોમાં કેબિનેટમાં સામેલ થવાના છે. આથી ગૃહમંત્રી સાથેની બેઠકમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવનાર નવા લોકોના નામ પણ નક્કી થઈ શકે છે. રાજ્યમાં કેબિનેટમાં સામેલ થનારાઓની યાદીમાં ઓમ પ્રકાશ રાજભર, દારા સિંહ ચૌહાણ અને આકાશ સક્સેનાના નામ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.